છોટા ઉદેયપુર
પાવી જેતપુરના કદવાલ ખાતેથી ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર-ઠેર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે, છેલ્લા પાંચ મહિનામાં જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડી ૧૦ કરતા વધુ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પાવી જેતપુરના કદવાલ ખાતે ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહેલા પ્રવિર રણજીત બારોઈ, મૂળ રહે. કુલતલા,બારાપરા, નોર્થ ૨૪ પરગના,પશ્ચિમ બંગાળ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લા એલસીબીને મળેલી બાતમી આધારે તપાસ કરતા પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલ કદવાલ ખાતે પ્રવીર રણજીત બારોઈ ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ આ બોગસ ડોક્ટરને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર પ્રાવિર રણજી બારોઇને ત્યાં એલ.સી.બી.એ રેડ કરી તેની પાસેથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન તથા અન્ય સાધનો મળી કુલ રૂ. ૧૨,૪૮૪.૫૪/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહત્વની વાત એ છે છોટા ઉદેપુર જીલ્લામાં છેલ્લા છ મહિનાથી બોગસ ડોકટરો ઝડપાઈ રહ્યા છે, તેઓને પોલીસ શોધી કાઢે છે પરંતુ લોકોના આરોગ્યની ચિંતા કરતા આરોગ્ય તંત્ર પાસે આવા બોગસ ડોકટરોની કોઈ માહિતી નથી, અને આવા બોગસ ડોકટરો બેરોકટોક રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
