Gujarat

ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી  

જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના બાદ ભવ્ય રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીત-રિવાજ મુજબ પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. ગણેશ ચતુર્થીના નિર્ધારિત રૂટ પર વિસર્જન કાર્યક્રમ બાદ પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવતું હોય છે. આ મૂર્તિઓની બનાવટમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોવાથી આવી મૂર્તિઓને નદી કે તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા જીવો અને મનુષ્યોને પણ ગંભીર નુકસાન થવાનો ખતરો રહેલો છે. જેથી પાણી અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા જારી કરાયેલ ગાઈડ લાઈન, સર્વોચ્ચ ન્યાયાલય અને રાજ્ય સરકાર દ્વારા સદરહુ તહેવારને ધ્યાને રાખીને બહાર પાડવામાં આવેલ ઠરાવો અને નિયમોના આધારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે હેતુથી કેમિકલયુક્ત રંગો અને પ્લાસ્ટર ઓફ પેરિસ (pop) બનાવટની શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જનથી મનુષ્યો અને પાણીજન્ય જીવોને થતા નુકસાનને અટકાવવા માટે એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ-1986ની કલમ-5 મુજબ શ્રી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવે છે.  

આ જાહેરનામાં હેઠળ શ્રી ગણેશજીની મૂર્તિઓની બનાવટમાં પીઓપી અને કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો, મૂર્તિઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાનીઓ રાખવી, મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો દ્વારા વધેલી અને ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં રાખવી, સક્ષમ સ્થાનિક સત્તામંડળોએ સુનિશ્ચિત કરેલી જગ્યાઓ સિવાયની જગ્યાઓ પર મૂર્તિ વિસર્જન કરવી, ઉપરોક્ત નિયમો અને ઠરાવો દર્શાવ્યા મુજબની કોઈપણ પદ્ધતિઓ સિવાય મૂર્તિઓનું વિસર્જન કરવું, મૂર્તિ વિસર્જન સમયે પીવાના પાણીના જળસ્રોત જેમ કે ડેમ, તળાવ, નદી, સમુદ્રના કિનારે પૂજન કરવું, કૃત્રિમ તળાવો સિવાય મૂર્તિઓનું વિસર્જન કરવું, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે ત્યાં આસપાસ ગંદકી કરવી- આવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ તમામ બાબતોની સંબંધિત નગરપાલિકા અને સક્ષમ સત્તાધિકારીએ તકેદારી રાખવાની રહેશે. આ નિયમો/ પ્રતિબંધો જામનગર જિલ્લા બહારથી મૂર્તિઓ લાવતા લોકો, બહારના મૂર્તિકારો અને વેપારીઓ પર પણ લાગુ પડશે.

આ પ્રતિબંધાત્મક નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *