Gujarat

બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં સરખેજ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલનું મોત

સરખેજ-ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે રવિવારે રાત્રે 8 વાગ્યે પુરઝડપે આવતા બાઈક ચાલકે એક્ટિવાને સામેથી ટક્કર મારતાં સરખેજ પોલીસ સ્ટેશનના 30 વર્ષીય કોન્સ્ટેબલ યોગેશભાઈ અને તેમના પત્ની રોડ પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યોગેશભાઈનું શેલ્બી હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મૃતક યોગેશભાઈના ઈજાગ્રસ્ત પત્નીની સારવાર ચાલુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ધોળકા રોડ પર ફતેવાડી ખાતે આઝાદનગર પાસે મારુતિનગરમાં રહેતા યોગેશભાઈ પરમાર (ઉં,30) સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. યોગેશભાઈ રવિવારે રાત્રે 8 વાગ્યે પત્ની મનિષાબેનને લઈ એક્ટિવા પર શાકભાજી લેવા નીકળ્યા હતા.

આ દરમિયાન ધોળકા રોડ પર શક્તિનગરના નાકા પાસે પુરઝડપે આવતા બાઈક ચાલકે ટક્કર મારતાં યોગેશભાઈ અને તેમના પત્ની હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા બન્નેને ગંભીર ઇજાઓ થઈ હતી. યોગેશભાઈને ચહેરા પર થયેલી ઇજાઓને પગલે સારવાર અર્થે શેલ્બી હોસ્પિટલ લઈ જતાં તેઓનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે યોગેશભાઈના પિતરાઈ ભાઈ નિરવભાઈ બારડે બાઈક ચાલક વિરુદ્ધ એમ ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *