દ્વારકા
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા બાલુભાઈ ઉર્ફે બાબુ રણધીરભાઈ કરમટા નામનો યુવાન તેના પિતરાઇ ભાઇ સાથે તેઓએ અગાઉ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી લેવામાં આવેલી ગોલ્ડ લોનની રૂપિયા સાડા ચાર લાખની રકમ દ્વારકાની બેંકમાં ભરપાઈ કરવા માટે ગુરુવારે લાંબા ગામેથી બાઇક પર દ્વારકા જઇ રહયા હતા. જે વેળાએ બપોરે દોઢ વાગ્યાના સુમારે દ્વારકાના સનાતન બસ સ્ટોપ પાસે પહોંચતા બાલુભાઈ સાથે આવેલા યુવાનને મોબાઇલમાં ફોન આવતા તેઓ બાઇક ઊભી રાખીને ફોનમાં વાત કરતા હતા, તે દરમિયાન બાઇકમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની એક થેલીમાં રહેલી રૂપિયા સાડા ચાર લાખની રકમ કોઈ અજાણ્યો શખસ ચોરી કરી લઈ ગયો હતો.સમગ્ર બનાવ મામલે બાલુભાઇ ઉર્ફે બાબુભાઇની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી સહિતની ટીમો દોડી ગઇ હતી.ક્રાંઇમ બ્રાન્ચના પીઆઇ કે.કે.ગોહિલના નેતૃત્વમાં પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. જેમાં સીસીટીવી કેમેરા ચેક કરી પોલીસે શકદારને શોધી કાઢયો હતો જે બાદ તેની ઓળખ મેળવીને આ માતબર રોકડ સાથે સહપરીવાર ખંભાળિયા જઇ રહયો હોવાનુ ખુલતા તેનુ પગેરૂ દબાવી આરોપીને દબોચી લીધો હતો. ભોગ બનનાર યુવાન સહિત બંનેએ જેસીબી મશીનની ખરીદી અર્થે લોન લીઘી હતી જે લોન ભરવા માટે બેન્કમાંથી ઉપાડેલી રકમ સહિત સાડા ચાર લાખ રોકડા એકત્ર કરી ભરવા માટે જઇ રહયા હતા જે વેળાએ ઉકત રોકડની તફડંચી થયાનુ ખુલ્યુ હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ હતુ.યાત્રાધામ દ્વારકામાં સનાતન બસ સ્ટોપ પાસે ભરબપોરે બાઇક પરથી કોઇ ગઠીયો રૂ.સાડા ચાર લાખની રોકડ ભરેલી થેલીની ઉઠાંતરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં સ્થાનિક ગુના શોધક શાખાએ પણ તપાસમાં ઝુકાવી સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ મેળવી તેનુ પગેરૂ દબાવી ખંભાળિયાથી ઉઠાવગીરને દબોચી લીધો છે.
