વડોદરા
વડોદરા શહેરના ફતેગંજ ચાર રસ્તા પાસે એક એપાર્ટમેન્ટમાં કપલ બોક્સ ચલાવતા ૩ જણાની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કેબીન બનાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું શહેર પોલીસ દ્વારા પ્રસિદ્ધ કરેલું છે. આ સંબંધે પોલીસે ફતેગંજ ઉડિપી સર્કલ પાસે મંગલકીર્તિ એપાર્ટમેન્ટ ૧૦૭, ૧૦૮માં આવેલા ‘ધ બોક્ષ કાફે’માં તપાસ કરતાં ૩ શખ્સ રિસેપ્શન કાઉન્ટર પર બેઠા હતા. તપાસ કરતાં ૧૧ કેબીન મળી હતી, જેમાં કેબીનના દરવાજા આગળ પડદા લગાવેલા હતા. ત્રણેય શખ્સોની કપલ બોક્સ બાબતે પૂછપરછ કરતાં કોઇ યોગ્ય જવાબ ન આપતાં પોલીસે કપલ બોક્સના માલિક ચેતન પાછાભાઇ હડિયા (રહે. ધ વેલેન્સિયા ટાવર, ગોત્રી કેનાલ પાસે, મૂળ રાતોલ ગામ, જિ.ભાવનગર) અને સ્ટાફના કૃષ્ણા પ્રવીણભાઇ ચૌહાણ (રહે.કૃષ્ણનગર, ઘાઘરેટિયા સોમા તળાવ), મેનેજર સાગર નિલેશભાઇ સોલંકી (રહે. અક્ષરગ્રીન સોસાયટી, અટલાદરા, મૂળ રહે.બેડી ગેટ કડિયાવાડ)ની અટક કરી હતી. પીઆઇ આર.જી.જાડેજાએ અન્ય કપલ બોક્સની શોધ આરંભી છે. રાત્રે પોલીસે ફતેગંજ વિસ્તારમાં આવેલા કાફે હેવન,હાઇદ વે અને ડેલ હાઉસી કાફેમાં રેડ પાડી રાહુલસિંહ પ્રતાસિંહ ઠાકુર, પિયુષ દિનેશભાઇ પટેલ અને યાસીન અબ્દુલ કાદીર પઠાણની ધરપકડ કરી હતી.
