અમદાવાદ: આજે પૂણેથી કોરોના વૅક્સીનનો (Corona Vaccine) પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચશે, ત્યારે શહેરના આરોગ્ય ભવન ખાસે વૅક્સીનનો જથ્થો રાખવા માટે ખાસ સ્ટોરેજ સેન્ટર (Corona Vaccine Storage) તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં વૅક્સીનનો જથ્થો સાચવીને રાખવામાં આવશે. જે બાદ અહીંથી 300 જેટલા સ્થળો પર વૅક્સીન ટ્રાન્સફર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વૅક્સીનેશન અભિયાનની શરૂઆત આગામી 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે વૅક્સીનનો જથ્થો વ્યવસ્થિત તાપમાન જળવાઈ રહે તે માટેની સમગ્ર વ્યવસ્થા મ્યૂન્સિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.
કોરોના વૅક્સીનના સ્ટોરેજ માટે અમુક ચોક્કસ તાપમાન જાળવી રાખવું જરૂરી છે. આથી જ AMC દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોના વૅક્સીન આપવાનું અભિયાન શરૂ થઈ જશે. હાલ દેશમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ નામની બે કોરોના વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. અમદાવાદમાં પણ કોરોના વેક્સીન આવ્યા બાદ 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સને વૅક્સીન આપવાની શરૂઆત કરવામાં આવશે.
