મોરબી
મોરબી નગરપાલિકાના વોર્ડ નબર ૧૦માં આવેલ અવની ચોકડી ખાતે તંત્રની બેદરકારીના આક્ષેપ સાથે સ્થાનિકો કલેકટર કચેરી ખાતે ઉમટ્યા હતા અને વરસાદી પાણીના નિકાલ તથા નબળા રોડની સમસ્યા મુદ્દે રોષ વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જાે સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો મતદાનનો બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. અવની ચોકડી વિસ્તારમાં આશરે ૧૦ થી ૧૨ સોસાયટીઓ આવેલ છે. જે તમામ સોસાયટીનો મેઇન રોડ અવની ચોકડીથી હનુમાન મંદિરનો છે. આ રોડ પર છેલ્લા ચારેક વર્ષથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાય જાય છે. પરંતુ આ વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. સવારે બાળકોને શાળાએ જવામાં તેમજ મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા જવા માટે ઘણી મુશ્કેલી પડી રહી છે. આ બાબતે સમિતિના અગ્રણીઓ દ્વારા વોર્ડના ચાર કાઉન્સીલરો, મોરબી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ તથા નગરપાલિકાના ચીફ ઓફિસરને અનેકવાર મૌખિક રજુઆતો કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓ દ્વારા મોરબી માળીયાના ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં આ બાબતે કોઇપણ પ્રકારના પગલા લેવામાં ન આવતા સ્થાનિકો દ્વારા લેખિતમાં આવેદન પાઠવવાની ફરજ પડી હતી. અને સ્થાનિકો દ્વારા ત્વરિત સમસ્યાનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જાે સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર વિસ્તારના ૧૦ હજારથી વધુ મતદારો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
