ગાંધીનગર
દહેગામની વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા યુવક સાથે ચાર મહિના પહેલા ભાગીને લગ્ન કરનાર દીકરીનું અપહરણ કરવાના ઈરાદે રાત્રે સાસરીમાં જઈને પિયરીયાએ ધિંગાણું મચાવી દીધું હતું. તેમ છતાં દીકરી પરત જવા તૈયાર નહીં થતાં તેના મામાઓ, પિતા સહિતના સાત લોકોએ જમાઈ-સાસુ સસરાને પણ ઢોર માર મારી નાસી જતાં દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના ભચાઉ ખાતે રહેતી ૨૩ વર્ષીય યુવતીએ દહેગામનાં વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતાં યુવક સાથે ગત. ૧૭/૦૫/૨૦૨૨ ના રોજ કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં જુન મહિનામાં યુવતી ભાગીને ઘરે કોઈને કહ્યા વિના પોતાની સાસરી દહેગામ આવી ગઈ હતી. રાત્રિના યુવતીના મામાઓ, માસી સહિતના સાસરીમાં ગયા હતા. આથી સસરાએ આવકારીને ઘરમાં બેસાડ્યા હતા. ત્યારે યુવતી તેના પિયરીયાને પાણી આપવા લાગી હતી. એટલામાં તેના મામા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની સાથે આવવા કહેવા લાગ્યા હતા. અને તેને ખેંચીને બહાર લઈ ગયા ગયા. એ વખતે અન્ય એક મામાનાં હાથમાં રૂમાલ અને કાચની શીશી હતી. જેથી યુવતીએ બુમાબુમ કરતા તેનો પતિ દોડી બહાર આવ્યો હતો. જેને બધાએ પકડી લઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. એ દરમિયાન ત્રીજા મામા અને યુવતીના પિતા પણ આવી પહોંચ્યા હતા. અને તેણીને પકડવા દોડયા હતા. એટલે યુવતી ભાગીને ઘરમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સાસરીઓએ જમાઈને ઘેરી લઈને ઢોર માર મારવાની શરૂઆત કરી દીધી હતી. આ જાેઈએ સાસુ સસરા તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. અચાનક સોસાયટીમાં બુમાબુમ થતા આસપાસના લોકો દોડીને આવી ગયા હતા. બધાને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારે બધા જતાં જતાં જમાઈ સહિતના દીકરી પરત નહીં કરો તો જાનથી મારી દઈશું તેવી ધમકીઓ આપીને વાહનો બેસીને નાસી ગયા હતા. આ બનાવના પગલે યુવતીએ માતા પિતા, મામાઓ અને માસી સહીતના સાત લોકો વિરુદ્ધ ફરિયાદ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
