ડાંગ
ડાંગના પ્રજાજનોની સુખાકારી માટે હરહંમેશ ચિંતિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રજાહિતનો ખ્યાલ આપતા, ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે, ડાંગની અમૂલ્ય વનસંપદાને જાળવવા માટે અહીં મધ્યમ કદના ડેમોના નિર્માણ સાથે ડાંગને જળધર બનાવી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામા સરકાર આગળ વધી રહી છે તેમ જણાવ્યું હતુ. પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી દેશી ગાયના ઉછેર માટે પણ પાણીની ખૂબ આવશ્યક છે તેમ જણાવતા આદિજાતિ મંત્રીએ ખેડૂતોની ખેતીની જમીનની બદલાઈ રહેલી તાસીરની સૂક્ષ્મ વિગતો વર્ણવી, રસાયણમુક્ત જમીનમા ઉત્પાદિત ખાદ્ય પદાર્થોનુ સેવન કરતા ડાંગના પ્રજાજનોની રોગ પ્રતિકારક શક્તિનો ખ્યાલ આપી અહીં કોરોનાના સૌથી ઓછા કેસો નોંધાયા હતા. પ્રજાજનોની બદલાયેલી જીવનશૈલી સામે ડાંગમા પ્રાકૃતિક જીવન જીવતા લોકો અને ખેડૂતોને સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમના ઉપર વિશ્વાસ દાખવતા રાજ્ય સરકારે રૂ.૩૧ કરોડ જેવી માતબર રકમ ફાળવીને તેમના શિરે મોટી જવાબદારી મૂકી છે, તેમ પણ પ્રભારી મંત્રીએ જણાવ્યું હતુ. શહેરી પ્રજાજનો ડાંગના ખેડૂતો તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે. બદલાયેલી ખેત પદ્ધતિના સૂક્ષ્મ અભ્યાસ સાથે સફળ ખેડૂતો, અને ખેતરોની જાત મુલાકાત લેવાનું પણ આહવાન કર્યું હતુ. ડાંગ સહિત આસપાસના આદિવાસી વિસ્તારના જિલ્લાઓના મહેનતકશ ખેડૂતોને પાણીની સુવિધા મળી રહે તો તેઓ કોઈનાથી જરા પણ ઉતારતા નથી તેમ જણાવતા મંત્રીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભ લેવા માટે વેળાસર વારસાઈ કરાવી લેવાની પણ હાંકલ કરી હતી. પ્રાકૃતિક ડાંગની બ્રાન્ડ નેઇમનો લાભ લેવા માટે ખેડુતોને આગળ આવવાનુ પણ મંત્રીએ આ વેળા આહવાન કર્યું હતુ. મંત્રીએ આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોની વિગતો રજૂ કરી એકલવ્ય મોડેલ સ્કૂલ, આદિજાતિ છાત્રાલયો, અન્ન અને નાગરિક પુરવઠાની સુવિધાઓ સહિત આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગર્ભાધાનથી લઈને મૃત્યુ પર્યંતની સેંકડો યોજનાઓના સથવારે, ડબલ એન્જીનની સરકાર પ્રજાજનોના સ્વપ્નને સાકાર કરી રહી છે, તેમ જણાવ્યું હતુ.

