ભરૂચ જિલ્લાના 52થી વધુ ગામના ખેડૂતો વડાપ્રધાનના 3 પ્રોજેક્ટોના અસરગ્રસ્તો ફરી વળતરને લઈ વિરોધમાં ઉતરી થાળી વેલણ ખખડાવી પરિવાર સાથે 1200 જેટલા ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો વળતર નહિ મળે તો પ્રોજેક્ટો અટકાવી દેવા સુધીની ચીમકી આપી દેવાઈ છે. કલેકટર કચેરી ખાતે મહિલાઓ, બાળકો સાથે 1200 જેટલા ખેડૂત પરિવારે 12મી એ મહારેલીની પણ જાહેરાત કરી છે.
ભરૂચ જિલ્લામાં હાલ પ્રધાનમંત્રીના 3 મહત્વકાંક્ષી પ્રોજેક્ટો મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ અને ભાડભુત બેરેજ યોજનાની કામગીરી ચાલી રહી છે. સરકારના દાવા મુજબ જમીન સંપાદન 90 થી 100 ટકા થઈ ગયું છે. જોકે, એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ અને બુલેટ યોજનાંમાં જંત્રી પ્રમાણે વળતરનો અસંતોષ હજી જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લાના 52 ગામના આ 3 પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કલેકટરને આવદેનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ મહિલા અને બાળકો સાથે શક્તિ પ્રદર્શન કરી 1200થી વધુની મેદની કલેકટર કચેરીમાં ભેગી કરી દીધી હતી.
ખેડૂતોની એક જ માંગણી હતી કે, સુરત, વલસાડ અને નવસારી જિલ્લા મુજબ તેઓને જંત્રીના ભાવ અપાયા છે. આ ત્રણ જિલ્લા કરતા જંત્રીમાં એક મીટરે 1000ની વિસંગતતા હોવાની કેફિયત ભરૂચના ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.
જો આગામી સમયમાં ભરૂચના ખેડૂતોનો વળતરનો પ્રશ્ન નહિ ઉકેલાઈ તો આ ત્રણેય પ્રોજેક્ટો અટકાવી દેવાની પણ ચીમકી અપાઈ છે.
જિલ્લા કલેકટર તુષાર સુમેરાને 3 તાલુકાના 3 પ્રોજેક્ટના 2800 જેટલા ખેડૂતો વતી અપાયેલ આવેદનમાં જણાવાયું હતું કે, આગામી 7 દિવસમાં અન્ય 3 જિલ્લા જેટલું 900થી 1200 પ્રતિ ચોરસ મીટર વળતર નહિ અપાય તો 12મીએ મહારેલી કાઢી ગાંધી ચીંધયા માર્ગે આંદોલન છેડાશે.

