Gujarat

બોધકથા..સંતવચનનો મહિમા

એકવાર નારદજી એક નગરમાં એક ઘરની સામેથી પસાર થાય છે ત્યારે તે ઘરની સ્ત્રીએ તેમને બોલાવીને પુછ્યું કે મહારાજ અમોને સંતાન નથી.આપ કૃપા કરીને બતાવશો કે અમારા ભાગ્યમાં સંતાન સુખ છે કે નહીનારદજીએ કહ્યું કે હું જ્યારે નારાયણના દર્શન કરવા જઇશ ત્યારે હું ભગવાનને પુછી લઇશ કે તમારા ભાગ્યમાં સંતાન સુખ છે કે નહી?

નારદજીએ વૈકુઠમાં જઇ ભગવાન વિષ્ણુને આ દંપતિના ભાગ્ય વિશે પુછે છે ત્યારે ભગવાને કહ્યું કે આ દંપત્તિને આ જન્મમાં તો નહી પરંતુ સાત જન્મો સુધી ભાગ્યમાં સંતાન સુખ નથી.ફરીથી નારદજી એકવાર ફરતા ફરતા આ નગરમાં આવીને તેમને કહે છે કે આ જન્મમાં તો નહી પરંતુ સાત જન્મો સુધી તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી.

નારદજી તેઓનું ભાગ્ય બતાવીને ચાલ્યા જાય છે પરંતુ ભગવાનની લીલા અપરંપાર છે.સંયોગથી એક દિવસ એક સંત આ દંપતિના દરવાજા ઉપર આવીને ઉભા રહે છે અને ભોજન કરાવવા માટે વિનંતી કરે છે.દંપતિ ભોજન બનાવી સંતને ભોજન કરાવે છે.ભોજન કરાવતાં સ્ત્રીની આંખમાં આંસુ આવે છે.મહાત્મા પુછે છે કે માતા તમારી આંખમાં આંસુ કેમ આવ્યા છેત્યારે સ્ત્રી કહે છે કે મહાત્માજી.. અમારે કોઇ સંતાન નથી તેનું દુઃખ છે.

સંત ભોજન બાદ આર્શિવાદ આપે છે કે માતા તમોએ મને બે રોટલા ખવડાવ્યા છે તો મારો આર્શિવાદ છે કે તમારે ત્યાં બે પૂત્રો થશે આમ કહી સંત આગળની યાત્રાએ ચાલ્યા જાય છે.તેમના ભાગ્યમાં સંતાન સુખ ન હોવા છતાં સંતના આર્શિવાદથી સમય પસાર થતાં બે વર્ષમાં તેમને બે બાળકો થાય છે.

બે વર્ષ બાદ એકવાર નારદજી ફરતા ફરતા આ નગરમાં આવે છે ત્યારે દયાભાવ રાખીને આ દંપત્તિના ઘેર જાય છે ત્યારે આંગણામાં બે ઘોડીયામાં બે બાળકો જોઇને નવાઇ લાગે છે ત્યારે દંપત્તિને પુછે છે કે આ બે બાળકો કોના છેત્યારે માતા કહે છે કે આપ જેવા સંતના આર્શિવાદથી અમારા ઘેર બે બાળકોનો જન્મ થયો છે.આ સાંભળીને નારદજીને ભગવાન વિષ્ણુ ઉપર ગુસ્સો આવે છે.નારદજી વિચારે છે કે પ્રભુ કહેતા હતા કે આ દંપત્તિને આ જન્મમાં તો નહી પરંતુ સાત જન્મો સુધી ભાગ્યમાં સંતાન સુખ નથી તો આ બે બાળકો કેવી રીતે થયાદંપતિ બંન્ને બાળકોને આર્શિવાદ આપવા નારદજીને વિનંતી કરે છે.

નારદજી ભગવાન પાસે પ્રશ્નના સમાધાન માટે જાય છે.ભગવાન બધું જાણતા હતા એટલે નારદજીને બોધ આપવા છાતીમાં અસહ્ય દુઃખે છે તેવું બહાનું કાઢીને સૂઇ થાય છે.નારદજી જે પ્રશ્ન પુછવા માટે આવ્યા હતા તે ભૂલી જાય છે અને ભગવાનના દર્દનો ઉપાય પુછે છે ત્યારે ભગવાન કહે છે કે જો કોઇ મનુષ્ય પોતાનું કાળજું કાઢીને આપે તો મારૂં દર્દ દૂર થશે.નારદજી અનેક સ્થાનોએ ફરે છે પણ કોઇ મનુષ્યે કાળજું આપ્યું નહી.અચાનક રસ્તામાં તેમને એક ફક્કડ સંત મળી જાય છે.તે નારદજીને વંદન કરે છે અને નારદજીના ચહેરાની ચિંતાની રેખા જોઇ પુછે છે કે ભગવાન વિષ્ણું પરમ ભક્ત આપ ચિંતાતુર કેમ છોત્યારે નારદજી તમામ હકીકત કહે છે.તે જ સમયે તે સંત ચિપિયો હાથમાં લઇ ભગવાન માટે કાળજું કાઢી આપવા તૈયાર થાય છે તે જ સમયે ભગવાન વિષ્ણું પ્રગટ થઇને સંતનો હાથ પકડી લે છે.

ભગવાન કહે છે કે નારદજી..જે સંત મારા માટે પોતાનું કાળજું આપવા તૈયાર થાય તેવા સંતના મુખારવિંદથી નિકળેલ વચન સત્ય કરવા વિધાતાના લેખમાં પણ ફેરફાર કરવો પડે છે,આવા સંતના વચનને મારે સત્ય કરવું પડે છે કેમકે હું ભક્તને આધિન છું.

સત્સંગથી મનનો મેલ દૂર થાય છે.સાચો સંત જ ત્રિગુણાતીત બ્રહ્મનાં દર્શન કરાવી શકે છે.સંત પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત હોય છે એટલે સંત અને હરિમાં સહેજ ૫ણ ભેદ હોતો નથી.જે ભૌતિક માયા સાથે નહી પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે, તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાન અને ભક્તિ બન્નેનો આધાર ગુરૂ છે કારણ કેઃબ્રહ્મજ્ઞાન ગુરૂ પાસેથી જ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ જ સંત-ગુરૂ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા  અને સમર્પણ-ભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી.

તમામને ભ્રમિત કરવાવાળી માયા ભક્તોને ભ્રમિત,લિપ્ત કરી શકતી નથી.સંતોનાં વચન માયાસક્ત લોકોની જેમ આચરણહીન હોતાં નથી.સંત ૫ણ માયામાં જ રહે છે.તેમનું ખાવું-પીવું અને પોષણ ૫ણ માયાથી જ થાય છે પરંતુ તે માયા સાથે નહી પરંતુ માયાપતિ પ્રભુ સાથે પ્રેમ કરે છે.માયાનો અંધકાર બ્રહ્મજ્ઞાનના પ્રકાશને પ્રભાવિત કરી શકતો નથી.

સંતના દોષ જોશો નહિ,તમને દોષ જોવાની ઈચ્છા થાય તો તમારી અંદર નજર કરજો.તમારાં પોતાના દોષને જોજો,બીજાના તો ગુણ જ જોજો.બીજાના ગુણ જોવાની આદત રાખશો તો તમારી દૃષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.આપણને સંત ના ઓળખાય તો સમજવું કે હજુ પાપ વધારે છે.પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.પ્રત્યેક ગામમાં એકાદ સંત અને સતી સ્ત્રીને ભગવાન રાખે છે એમના આધારે તો ધરતી ટકે છે.

નકલી માલ વધ્યો છે તે વાત સાચી પણ તેનો અર્થ એ નથી કે સાચું સોનું ક્યાંય મળતું નથી. જગતમાં સંત નથી તે વાત ખોટી છે.હા,સંત મળવા દુર્લભ છે એ વાત સાચી છે.જે સંત થાય છે તેને સંત મળે છે.સંતના ઘેર સંત જાય છે.વ્યવહારનો કાયદો છે,શ્રીમાનને ત્યાં શ્રીમાન જાય છે.ગરીબના ઘેર શ્રીમાન જતા નથી.સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી.સ્વભાવને સુધારે તે સંત બને છે.સંતની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી થાય છે.સંત પોતાની આંખને ઇષ્ટદેવમાં રાખે છે.સંતો મનને પરમાત્માના ચરણમાં,પરમાત્માના નામમાં,ધામમાં રાખે છે.જેના સંગમાં બેસવાથી આપણને શાંતિનો અનુભવ થાય તે સંત છે.’’શાંતિ પમાડે તેને સંત કહીએ એના દાસના તે દાસ થઈને રહીએ.. ’’

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *