Gujarat

ગુજરાત, રાજસ્થાન બાદ BTPની નજર બંગાળ પર, 10થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

BTPનું ડેલીગેશન પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારમાં પહોંચ્યું

પશ્ચિમ બંગાળની રાજનીતિ અલગ, સ્થાનિક પાર્ટી સાથે ગઠબંધન વિશે વિચારીશું: રાજ વસાવા

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત અને રાજસ્થાનમાં સારી સફળતા બાદ BTP હવે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. BTP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવા, પરેશ વસાવા, ઉલ્હાસ વસાવે, અશોક યાદવ સહિત અન્ય આદિવાસી સંગઠનના આગેવાનું એક ડેલીગેશન પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારની મુલાકાતે પહોંચ્યું હતું.

8 દિવસના પોતાના પ્રવાસ દરમિયાન BTP ડેલીગેશન ત્યાંના સામાજિક સંગઠન અને સ્થાનિક રાજકીય પાર્ટીઓને સાથે રાખી ત્યાંની સમસ્યાઓ વિશે તાગ મેળવ્યો હતો.

BTPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવાએ ગુજરાત એક્સકલુઝીવ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 16થી વધુ બેઠકો એવી છે કે, જ્યાં આદિવાસી સમાજના મતોનું ઘણું પ્રભુત્વ છે. અમે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 10થી વધુ BTPના ઉમેદવારો ઉભા રાખીશું. સ્થાનિક પાર્ટી જો આવશે તો ગઠબંધન વિશે વિચારીશું, ગુજરાત કરતા પશ્ચિમ બંગાળની રાજનીતિ ઘણી અલગ છે.

રાજ વસાવાએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના ઉત્તર-પૂર્વી ભાગમાં ઝારખંડ, છત્તીસગઢથી આદિવાસીઓને ચ્હાના બગીચાઓમાં કામ કરવા છેલ્લી 4-5 પેઢીથી અંગેજોના શાસન વખતે લવાયા હતા, ત્યાં આદિવાસીઓ ઉરાંવ, સરના, કુડુક, મુંડા સમુદાયના છે. એમને ટી-ટ્રાયબ તરીકે પણ ઓળખાય છે. એમની આજે પણ ત્યાં ખરાબ સ્થિતિ છે. એમને રહેવા માટે ચ્હાના બગીચાઓમાં નાના મકાનો મળ્યા છે, જ્યાં સુધી તેઓ કામ કરશે, ત્યાં સુધી જ એમને એ મકાનમાં રહેવા દેવાશે. એમને 175 રૂપિયા લઘુતમ વેતન મળે છે.

રાજ વસાવાએ જણાવ્યું કે, ત્યાં આદિવાસીઓ માટે આરોગ્ય અને ભણવાની સુવિધાઓ સારી નથી. ઉચ્ચ શિક્ષા માટે અન્ય શહેરોમાં જવું પડે છે, રોજ જીવિત રહી શકે એટલી જ એમને સુવિધાઓ મળે છે. બાંગ્લાદેશ અને નેપાળથી આવેલા લોકોને ત્યાં રહેવા, પ્રોપર્ટી ખરીદવા અને નોકરી ધંધાના અધિકાર છે, પરંતુ આદિવાસીઓને એ અધિકાર નથી મળ્યા. ભારતની આઝાદીના 50-60 વર્ષ પછી અહીંયા આદિવાસીઓને હમણાં થોડાક સમહ પેહલા જ મત આપવાનો અધિકાર મળ્યો છે.

CAA-NRC અહીંયા અમલી બને તો છત્તીસગઢ અને ઝારખંડથી અહીંયા આવેલા અદિવાસીઓને તકલીફ પડશે. પશ્ચિમ બંગાળમાં પેસા એક્ટ, વન અધિકાર કાયદો અને 5 મી અનુસૂચિ લાગુ નથી કરાઈ. રાજકીય રીતે ત્યાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ નબળુ અને ઓછું છે, ત્યાનો આદિવાસી સમાજ મુખ્ય ક્રિશ્ચિયન, હિંદુ, મુસ્લિમ અને બૌદ્ધ ધર્મમા વહેચાયેલો છે.

દાર્જિલિંગ ક્ષેત્રમાં નેપાળી ગોરખાઓએ ગોરખાલેંડની મુવમેન્ટ ઉપાડી છે એ જમીન ખરેખર ત્યાંના મૂળ “લેપચા” અને “કુરસેઓગ” આદિવાસી સમુદાયની છે. પશ્ચિમ બંગાળમાં ઘણી રાજકિય પાર્ટીઓએ રાજ કર્યું પણ મૂળ આદિવાસીઓના હકને નજર અંદાજ કરાયા છે.પશ્ચિમ બંગાળમાં આદિવાસી સમાજ ડરના માહોલ વચ્ચે જીવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *