બાડમેર
રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિણધરી વિસ્તારના મેગા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં કારમાં સવાર ત્રણ મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ગુજરાતના છે. તેઓ બાડમેરમાં જસોલ રાણી ભટિયાણીના દર્શન કરી ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને એક યુવકે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ૮ વર્ષીય માસૂમ બાળક બચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે આ અકસ્માત બાડમેર જિલ્લાના સિણધરી અને આરીજીટી વિસ્તારની સરહદે થયો હતો. આ દરમિયાન ગુજરાતના ધાનેરા નિવાસી પાંચ લોકો જસોલ રાણી ભટિયાણીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે તેમની કાર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. ત્યારે આ અકસ્માતમાં કારનો કુચ્ચો વળી ગયો હતો. આ અકસ્માતની જાણકારી મળતા જ આરજીટી અને સિણધરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર દ્રૌપદી બહેન, કમલાદેવી અને મનીષાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે તાત્કાલિક તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. ત્યાં જ યુવક રાજેશ મહેશ્વરીનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા મનીષાના ૮ વર્ષીય પુત્રનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માત પછી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ભારે જહેમતે ટ્રાફિક છૂટો પાડ્યો હતો. અકસ્માત પછી ટ્રકચાલક પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે અકસ્માત થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. મૃતકોના પરિવારજનોએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યાં છે. સિણધરી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બાડમેર જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનામાં ગમખ્વાર અકસ્માતનો સિલસિલો ચાલતો આવ્યો છે. તેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.
