રાજકોટ
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પરથી મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રેલી યોજી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઠારિયા પાસે રોજીરોટી માટે કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા દેવામાં આવતા નથી. આથી આ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ફાળવી કડિયા કામ કરતા લોકોને એકઠા થવા દેવા માગ કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી સાંજના કડિયા કામ, લાદી કામ, ચણતર કામ સહિતની મજૂરી કામ કરતા લોકો કોઠારીયા રોડ પર સ્વિમિંગ પુલ બાજુની શેરીમાં ઉભા રહી રોજીરોટી માટે એકઠા થતા હતા. જેને છેલ્લા ૧૫ દિવસથી ઉભા રહેવા દેવામાં આવતા નથી અને રોજીરોટી મળવી મુશ્કેલ થાય છે ત્યારે આ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં જ ઉભા રહેવા દેવામાં આવે તેવી માગ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ૧૦થી ૧૨ બેઠક પર કડિયા સમાજનું પ્રભુત્વ હોવાથી સમાજને ન્યાય આપવામાં આવે અને યોગ્ય વ્યક્તિને પ્રભુત્વ સોંપવામાં આવે તે માટે લોકશાહી ઢબે દરેક પક્ષ પાસે માગ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રાનો મેટોડાથી પ્રારંભ થયો છે. આ અવસરે વાહન-વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે લોધિકા અને પડધરી તાલુકાના આશરે રૂપિયા ૩.૫૦ કરોડથી વધુનાં વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેટોડા જીઆઈડીસી ખાતે પ્રાંત કક્ષાનો લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોધિકા તાલુકાના રૂ.૨૩૭.૪૦ લાખના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.૫૨.૮૦ લાખનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત, તેમજ પડધરી તાલુકાના રૂ.૨૦ લાખનાં કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ.૪૦ લાખનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.


