નવસારી
નવસારી શહેરમાં તીઘરા ઇટાળવા અને ગણદેવી રોડના પોશ વિસ્તારના બંધ અને રહેણાંક બંગલાઓમાં ચોરીની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. ચોરો દિવસે અને દિવસે પોલીસની ઊંઘ હરામ કરી રહ્યા હોય તેમ આજે ફરીવાર ગુજરાત રાજ્યના કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ સી.ડી.પટેલના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. વર્ષોથી બંધ બંગલામાં સમયાંતરે સાફ-સફાઈ થતી હતી, પરંતુ ચોરીની ઘટના બનતા કોંગ્રેસી આગેવાનો પણ બંગલે દોડી ગયા હતા. જાેકે, બંગલામાં કોઈ કિંમતી સર સામાન ન હોય ચોરોને હાથ લાગ્યું ન હતું, પરંતુ ચોરો સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયા હતા. આ વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી થઈ હતી, ત્યારે સ્થાનિકોએ ભેગા થઈને ડીવાય એસપી અને રૂરલ પીઆઈ સાથે મીટીંગ કરી સઘન પેટ્રોલિંગ માટેની માંગ કરી હતી તે બાદ થોડા દિવસ ગ્રામ્ય પોલીસે પૂરતા પ્રયાસ પણ કર્યા હતા. છતાંય ફરીવાર ચોરીની ઘટનામાં વધારો થયો છે. ટાઉન પોલીસે ચોરીનું પગેરું મેળવવા બંગલાની આજુબાજુના સીસીટીવી તથા હ્યુમન ઇન્ટેલીંજન્સની મદદ લઈને તપાસ શરૂ કરી છે.


