નવીદિલ્હી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કારમાં છ એરબેગ લગાવવા પર ભાર આપનારી પોસ્ટ પર વિવાદ શરૂ થઈ ગયો છે. તેમણે રોડ સુરક્ષા અભિયાન સાથે જાેડાયેલો એક વીડિયો શેર કર્યો હતો, જેને દહેજ પ્રથા સાથે જાેડવામાં આવી રહ્યો છે. આ સિવાય વીડિયોમાં જાેવા મળી રહેલા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પણ રાજનેતાઓ અને સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગયા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે છ એરબેજના સમર્થનમાં એક વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું- ૬ એરબેગવાળા વાહનમાં સફર કરી જીવનને સુરક્ષિત બનાવો. આ વીડિયોમાં અક્ષય કુમાર પણ જાેવા મળી રહ્યો છે. હવે ઘણા રાજનેતા પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યાં છે કે આ વીડિયોના માધ્યમથી દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. (દહેજ આપવું કે લેવું ભારતમાં ગુનો છે) પરંતુ અક્ષયે વીડિયોમાં દહેજ શબ્દનો ઉપયોગ કર્યો નથી, ન વીડિયોમાં આવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક યુવતીની વિદાયનો સીન દેખાડવામાં આવ્યો છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે પિતા પોતાની પુત્રીને લગ્ન બાદ વિદાય આપતા રડી રહ્યાં છે. આ વચ્ચે અક્ષય કુમાર આવે છે અને પોતાની પુત્રી અને જમાઈની સુરક્ષા માટે સચેત કરે છે. તે કહે છે કે આવી ગાડીમાં પુત્રીને વિદાય આપશો તો રડવું તો આવશે જ ને. ત્યારબાદ પિતા ગાડીની ખુબીઓ ગણાવે છે, પરંતુ અક્ષય છ એરબેગ વિશે પૂછે છે. વીડિયોના અંતમાં કાર બદલાય જાય છે. શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે આ સમસ્યાગ્રસ્ત જાહેરાત છે. આવા ક્રિએટિવ કોણ પાસ કરે છે? શું સરકાર આ જાહેરાતના માધ્યમથી કારની સુરક્ષાના પાસાને પ્રોત્સાહન આપવા કે દહેજ અને આપરાધિક કૃત્યને પ્રોત્સાહન આપવા માટે પૈસા ખર્ચ કરી રહી છે? ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ પણ આ જાહેરાત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે ભારત સરકારનું સત્તાવાર રીતે દહેજને પ્રોત્સાહન આપવું ખોટું છે.