પાટણ
પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૪૮ વર્ષીય બોર ઓપરેટર દ્વારા કોઈ કારણોસર સ્ટાફ ક્વોટર્સમાં ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. મોત મામલે કારણ અકબંધ રહેતા અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. પાટણ સિવિલ હોસ્પિટલમાં બોર ઓપરેટર તથા ચોકિયાત તરીકે હંગામી ધોરણે નોકરી કરતા અરવિંદકુમાર ચમનલાલ ચૌહાણ (રાવળ) ઉ.વ ૪૮ રવિવારે બપોરે અઢી વાગ્યા સ્ટાફ ક્વોટર્સમાં અગમ્ય કારણોસર નાયલોનની દોરીથી ઓસરીના ભાગે લાકડાના દોરીયા ઉપર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના મામલે તેમના પુત્ર રવિને જાણ થતા આ બાબતે પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે પંથકમાં ચકચાર મચી હતી. આ મામલે શહેર એ ડિવિઝન પોલીસ એ અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા મામલે કોઈ કારણ હાલમાં સામે ના આવ્યું હોય તપાસનો દોર શરૂ કર્યો છે.
