જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ફોર-વ્હીલર (LMW) માટેની નવી સીરીઝ જીજે-10-ડીએનના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરના ઇ- ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો આગામી તા. 20-09-2022થી 28-09-2022 તથા ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. 28-09-2022 થી 30-09-2022 અને આ ઇ-ઓકશનનું પરિણામ તા. 30-09-2022ના બપોરે 04 કલાકે જાહેર કરવામાં આવશે.
આ પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-07ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના નંબર મળેલ અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
