ભરૂચ એેસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, જંબુસર બાયપાસ રડ પર આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સલમાન મુસ્તાક પટેલ મુંબઇથી ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યો છે. અને તે રેલવે સ્ટેશનના મોફેસર જીન કંપાઉન્ડ પાસે પહોંચનાર છે. જેના પગલે એસઓજી પીઆઇ વી. કે. ભુતિયાએ ટીમના પીએસઆઇ એમ. આર. શકોરિયા, પીએસઆઇ પી. એમ. વાળા સહિતની ટીમ સાથે મોફેસર જીન કંપાઉન્ડ પાસે પહોંચી હતી. દરમિયાનમાં સલમાન ત્યાં પહોંચતા ટીમે તેેને દબોચી લીધો હતો. પોલીસે તેના સામાનનું ચેકિંગ કરતાં તેની પાસેથી 99 ગ્રામ એટલે કે 9.90 લાખની મત્તાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, શહરના કાળી તલાવડી વિસ્તારમાં આવેલી વસીલા સોસાયટી ખાતે રહેતો અને કુખ્યાત ગુનેગાર ઇમરાન શૌકત ખીલજીએ તેની પાસેથી ડ્રગ મંગાવ્યું હતું. જેના પગલે ટીમે ઇમરાન શૌકત ખીલજીને પણ દબોચી લીધો હતો. ટીમે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઇલ મળી કુલ 10.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કાર્યવાહીના પગલે ડ્રગ્સનો વેપલો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ઝડપાયેલાં બન્ને આરોપીઓ પૈકી સલમાન પટેલે તે ડ્રાઇવિંગ કરતો હોવાનું જણાવ્યું છે. જોકે, નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર ઇમરાન ખીલજીનું નામ છેલ્લાં કેટલાંક સમયથી ગુનાઇત કૃત્યોમાં સતત ચર્ચામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ સહિતના ગુનામાં સંડોવાયેલાં ઇમરાન પાસેથી કોણ કોણ ડ્રગ્સ ખરીદી રહ્યું હતું તેની પણ પોલીસ તપાસ કરશે.


