અમદાવાદ
અમરાઈવાડીની યુવતીને મધ્યપ્રદેશમાં રહેતાં સાસુ અને પતિએ દહેજ પેટે રુ.૧૦ લાખની માગણી કરી ધાકધમકી આપી ઘરમાંથી કાઢી મુકતાં, યુવતી તેના પિયેર આવી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. અમરાઈવાડીમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીના લગ્ન ૨૦૧૭માં મધ્યપ્રદેશમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના માત્ર ચાર દિવસમાં જ પતિ તથા સાસુ ઘરકામ બાબતે નાની-નાની વાતે ભૂલો કાઢી, અપશબ્દો બોલી, મારઝૂડ કરી, તુ દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીને રુ.૧૦ લાખની માગણી કરતા હતા. યુવતીએ દહેજ લાવવાની ના પાડતાં સાસુ અને પતિએ મારઝૂડ કરી, તુ દહેજ નહીં લાવે તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી યુવતીને ઘરમાંથી કાઢી મૂકતાં યુવતીએ પિતાને ફોન કરી પોતાને લેવા મધ્યપ્રદેશ બોલાવતાં, તેઓ દીકરીને અમદાવાદ લઇ આવ્યા હતા. આ અંગે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
