નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની સિઝન કોરોના કાળ પૂર્વેના જૂના રંગરૂપ સાથે યોજાશે. જેમાં ટીમો હોમ ગ્રાઉન્ડ અને પ્રતિસ્પર્ધી ટીમના (અવે) ગ્રાઉન્ડ પર મેચો રમતી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે સંકળાયેલા રાજ્યના એકમોને માહિતગાર કર્યા છે. ૨૦૨૦માં કોરોના મહામારીનો પ્રકોપ ફેલાતા આઈપીએલને કેટલાક સ્થળ પર યોજવાનો ર્નિણય બોર્ડ દ્વારા લેવાયો હતો. આ ગાળામાં દુબઈ, શારજાહ અને અબુધાબીના ખાલી સ્ટેડિયમમાં આઈપીએલની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગત વર્ષે ટૂર્નામેન્ટના પ્રારંભિક મુકાબલા દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ એમ ચાર સ્થળોએ યોજાયા હતા. જાે કે હવે કોરોના અંકુશમાં આવતા આ વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટ લીગનું આયોજન મૂળ સ્વરૂપમાં કરવાની તરફેણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આઈપીએલની ૨૦૨૩ની સિઝન હોમ અને અવે ફોરમેટમાં યોજવામાં આવશે તેમ સૌરવ ગાંગુલીએ રાજ્યના એકમોને જણાવ્યું હતું. આ ઉપરાંત બીસીસીઆઈ કોરોના કાળ બાદ તેના ડોમેસ્ટિક કાર્યક્રમને ચાલુ વર્ષથી પૂર્ણપણે યોજવા જઈ રહ્યું છે તેમ બોર્ડ અધ્યક્ષે એક નોંધમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તમામ મલ્ટી-ડે ટૂર્નામેન્ટ પણ પારંપરિક હોમ અને અવે ફોરમેટમાં યોજવામાં આવશે. આઈપીએલમાં તમામ ૧૦ ટીમો પોતાના ઘરઆંગણે નિર્ધારિત સ્થળે મેચો રમશે.


