-
ફ્રન્ટલાઇન વર્કર તરીકે સરકાર દ્વારા વેકસીનેશનમાં પ્રાધાન્ય અપાયું
પોલીસ ઉપરાંત હોમગાર્ડ, જી.આર.ડી., જેલ વિભાગના કર્મીઓને અપાશે વેકસીનેશન
ગાંધીનગર: રાજય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાદ હવે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોલીસ વિભાગના કર્મચારીઓને વેકસીન આપવા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેના ભાગરૂપે જ આવતીકાલ તા. 31 જાન્યુઆરીથી રાજયના તમામ પોલીસ કર્મચારીઓને વેકસીન આપવાની શરુઆત કરવામાં આવશે. પોલીસ અને એસ.આર.પી. જવાનો તથા અધિકારીઓની સાથોસાથ હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનો તેમ જ જેલ વિભાગના કર્મચારીઓને પણ વેકસીનેશન આપવામાં આવનાર છે. આ સમગ્ર પ્રક્રિયા 4થી 5 દિવસની અંદર પુરી કરવા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્ય વિભાગ, મ્યુનિ. કોર્પોરેશન તથા પોલીસ વિભાગ વચ્ચે સંકલન કરીને વેકસીનેશન માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડી.જી.પી. સહિતના ગાંધીનગર ખાતેના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવતીકાલે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વેકસીન આપવામાં આવશે.પોલીસ વિભાગની ફરજોમાં અડચણ ઊભી ના થાય તે હેતુથી તબક્કાવાર પોલીસ જવાનોને વેક્સિન આપવા માટેનું રાજય પોલીસ વડા આશીષ ભાટીયાએ રાજયના તમામ પોલીસ એકમોના વડાને આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ વેકિસનેશનનો કાર્યક્રમ સંદર્ભે જરૂરી આયોજન અને વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
ડીજીપી આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા લોકડાઉનથી લઇને આજસુધી કોરોના સંદર્ભે કામગીરી ખડેપગે કરી છે. આ કામગીરી દરમિયાન ઘણાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત પણ થયા હતા. તેમાંથી અમૂક પોલીસ કર્મચારીઓ તો મુત્યુ પામ્યા છે. તે વખતે કોઇ રસી કે દવા ના હોવાથી પોલીસ કર્મચારીઓને રક્ષણ ન હતું. પરંતુ હવે જયારે રસી ઉપલબ્ધ છે જેથી ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તમામ પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવે અને કોઇપણ જવાન બાકી ન રહી જાય તે રીતે અસરકારક આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.વધુમાં તેમણે સિનિયર પોલીસ અધિકારીઓ જાતે પહેલા વેકસીન લઇને અન્ય પોલીસ કર્મચારીઓના માનમાંથી વેક્સિન અંગે કોઇ શંકા કે ડર હોય તે દૂર કરવા પણ તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
આવતીકાલથી દરેક જિલ્લા તથા શહેર ખાતે આ માટે સરકારી હોસ્પિટલ, હેલ્થ સેન્ટર સહિતના અનેક સ્થળે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ વિભાગની રોજીંદી કામગીરીમાં કોઇ અડચણ ન થાય તે રીતે ક્રમાનુસાર અને તબક્કાવાર તમામ જવાનોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિન બાદ પોલીસ કર્મચારીઓને જરૂરી આરામ અથવા હળવી ફરજો આપવામાં આવે તે માટે પણ સૂચના આપવામાં આવી છે.


