OTT, ડિજિટલ સમાચાર પર પ્રેસ કાઉન્સિલ, કેબલ ટેલીવિઝન, સેન્સર બોર્ડના કાયદા લાગૂ થતા નથી
નવી દિલ્હી: વેબ સીરીઝ ‘તાંડવ’ પર વિવાદ પછી કેન્દ્ર સરકારે OTT પ્લેટફોર્મને લઇ ટૂંક સમયમાં જ ગાઇડલાઇન જાહેર કરી શકે છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે જણાવ્યું કે OTT પર ચાલનારા કેટલાક સીરિયલ અંગે ઘણી બધી ફરિયાદો મળી છે અને તેને ધ્યાનમાં લેવામાં આવી છે. OTTની ફિલ્મ, કાર્યક્રમ, ડિજિટલ સમાચાર પર પ્રેસ કાઉન્સિલ, કેબલ ટેલીવિઝન, સેન્સર બોર્ડના કાયદા લાગૂ થતા નથી. તેના સંચાલન માટે ટૂંક સમયમાં જ સરળ વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરીઝ ‘તાંડવ’ને લઇ દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો. વેબ સીરીઝ વિરુદ્ધ દેશમાં કેટલાક રાજ્યોમાં એફઆઈઆર પણ નોંધાઇ હતી. સીરીઝ પર હિન્દુ ભાવનાઓની લાગણી દૂભાવવાનો આરોપ હતો. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું હતુ કે તાંડવને લઇ ફરિયાદો મળી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારને ઓટીટી પર જે પણ સીરીઝ અથવા ફિલ્મ રિલીઝ થાય છે, તેના માટે કાયદા બનાવવા જોઇએ, જેથી આ પ્રકારની ઘટના ફરી ના બને.
બીજી તરફ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે એક ફેબ્રુઆરીથી દેશભરના થિયેટરોને કોવિડ-19 સુરક્ષા નિયમોને અનુસરી 100 ટકા દર્શકોની ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. મંત્રીએ એસઓપી જાહેર કરતા જણાવ્યું કે ટિકિટોની ડિજિટલ બુકિંગ અને જુદા-જુદા સમયે શોને પ્રોત્સાહન આપવામાં આવશે.
જાવડેકરે જણાવ્યું કે એક સારા સમાચાર છે. ફેબ્રુઆરીમાં લોકો થિયેરટોમાં ફિલ્મ જોઇ શકશે અને તેનો આનંદ લઇ શકશે. કારણ કે અમે થિયેટરોમાં 100 ટકાની ક્ષમતા સાથે દર્શકોને મંજૂરી આપી રહ્યા છે. થિયટરો હવે 100 ટકા દર્શકોની ક્ષમતા સાથે ખુલી શકશે. અમે શક્ય તેટલું ટિકિટનું ઓનલાઇન બુકિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે.
મંત્રીએ જણાવ્યું કે શોને જુદા-જુદા સમયે રાખવામાં આવશે, જેથી દર્શકોને આવવા-જવા માટે યોગ્ય વ્યવસ્થા કરી શકાય. સ્વચ્છતા અને કોવિડ-19 સંબંધિત તમામ સુરક્ષા નિયમોનું સખ્તીથી પાલન કરવું જરૂરી છે. થોડા દિવસ પહેલા જ ગૃહ મંત્રાલયે થિયેટરોને એક ફેબ્રુઆરીથી કોવિડ-19ના નવા નિયમોનું પાલન કરતા વધુ લોકો સાથે સંચાલન કરવાની મંજૂરી આપી હતી.
લોકડાઉન પછી કેન્દ્રએ 15 ઓક્ટોબર 2020થી દિલ્હી સહિત વિસ્તારોમાં તથા મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં થિયેટરો અને મલ્ટીપ્લેક્સને 50 ટકા દર્શકોની ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપી હતી.