કોરોનાના કેસ હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસસોશિયેશન અને અન્ય 6 એસસોશિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, અમદાવાદ ડિસ્ટ્રીકટ કોર્ટ (ગ્રામ્ય), અમદાવાદ ફેમિલી કોર્ટ સહિત સુરત, રાજકોટ અને વડોદરાની ડિસ્ટ્રીકટ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસસોશિયેશન સાથે કુલ 6 બાર એસસોશિયેશન દ્વારા લખાયેલા સંયુક્ત પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે કોરોના મહામારી હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. રાજ્ય સરકારે શાળાઓ, સિનેમા હોલ ખોલવાનો નિણર્ય લીધો છે , ત્યારે કોર્ટમાં પણ ફિઝિકલ સુનાવણી થઈ શકે છે.
પત્રમાં વધુમાં રજુઆત કરવામાં આવી છે કે દુર્ભાગ્યપૂર્ણ રીતે બાર એસસોશિયેશનના સભ્યોની સમસ્યાઓની ગુજરાત હાઇકોર્ટ વહીવટીતંત્ર દ્વારા નોંધ લેવામાં આવી નથી. અમારી રજુઆત મુદ્દે કોઈ સકારાત્મક નિણર્ય નહિ લેવામાં આવે અને બીજો કોઈ વિકલ્પ ન હોવાથી 6 બાર એસસોશિયેશનના સભ્યો 11મી ફેબ્રુઆરીના રોજ કોર્ટ પરિસરમાં પ્રવેશ કરી મહાત્મા ગાંધીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીશું.
નોંધનીય છે કે કોરોનાના કારણે 24મી માર્ચ 2020 બાદથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ સુનાવણી થઈ શકી નથી. ત્યારબાદથી ગુજરાત હાઈકોર્ટમાં વિડીયો કોન્ફરેનસિંગ મારફતે કેસોની સુનાવણી થઈ રહી છે. વર્તમાન સમયમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ કોર્ટ પરિસરમાં આવેલા ચેમ્બરમાંથી કોર્ટની કાર્યવાહી ચલાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રોજકોટ આ ચાર મહાનગરો સિવાય અને કન્ટેનમેન્ટ વિસ્તાર બહાર આવેલી કોર્ટમાં ફિઝિકલ સુનાવણીની મંજૂરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવી છે.