કલેક્ટરશ્રીએ પોતાની એક વર્ષીય પુત્રીને પોલીયોની રસી અપાવી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું
કલેક્ટરશ્રીએ પોલિયો નાબુદીના મહાઅભિયાનમાં સહભાગી થવા જાહેર જનતાને અપીલ કરી
અમરેલી, તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧
પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે અમરેલી જિલ્લાના વિવિધ સ્થળોએ ૦ થી ૫ વર્ષના બાળકોને પલ્સ પોલિયોની રસીના બે ટીપાં બાળકોને પીવડાવી પલ્સ પોલિયોના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલીની સુખનિવાસ કોલોનીની આંગણવાડી ખાતે આજે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક અને કલેક્ટરશ્રીના ધર્મપત્નીએ પોતાની એક વર્ષીય પુત્રીને પોલીયોની રસી આપી જાહેર જનતાને પ્રેરણા પુરી પાડી હતી.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ૦ થી ૫ વર્ષના બાળકોમાં ૧૦૦ ટકા રસીકરણ થાય અને કોઈપણ બાળક પોલીયો રસીકરણથી વંચીત ન રહી જાય તે માટે આરોગ્ય તંત્ર પ્રયત્નશીલ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાની જાહેર જનતાને પણ આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે. એચ. પટેલ, મહિલા અને બાળ કલ્યાણ ખાતાના કર્મીઓ, આંગણવાડી વર્કર, હેલ્પર તથા આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નોંધનીય છે કે અમરેલી સહિત જિલ્લાના વિવિધ આંગણવાડી અને જાહેર સ્થળોએ પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)