Gujarat

ગાંધીનગરના ભાટ પાસેની નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક ઊંડા પાણીમાં જતા મોત

ગાંધીનગર
ગાંધીનગરના ભાટ ટોલ ટેક્ષથી કરાઈ બ્રિજ તરફ સાબરમતી નદીમાં અમદાવાદથી ન્હાવા માટે આવેલા ત્રણ મિત્રો પૈકી એક મિત્રનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી કરૃણ મોત નીપજ્યું છે. મિત્રને બચાવવા માટે બે યુવાનોએ મથામણ કરી હતી. જાે કે બધા પ્રયત્નો નિષ્ફળ રહેતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ આદરીને યુવાનની લાશ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ચાલીસ ફૂટ જેટલાં ખાડા કરીને ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેત ખનન કરી દેવામાં આવ્યું છે. એમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જાે કે ઊંડા ખાડાઓના કારણે બહારથી શાંત દેખાતી નદી મોતનો કૂવા સમાન બની ગઈ છે. જેનાં કારણે ઢળતી સાંજે અમદાવાદના યુવકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. અમદાવાદના ઓઢવ ભવાની નગર ટેકરા ગજરા નગરમાં રહેતાં ૨૨ વર્ષીય રાજ પરમારના પરિવારમાં માતા પિતા અને પત્ની સોનલ છે. જે ગર્ભવતી છે. રાજ તેના મિત્રો સાથે અમદાવાદમાં ફેબ્રિકેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે સાંજના સમયે રાજ અને તેના બે મિત્રો પ્રેમ શાસ્ત્રી અને વિશાલ સાથે ગાંધીનગર આવ્યો હતો. બાદમાં ભાટ ટોલટેક્ષથી કરાઈ બ્રિજ તરફ ની સાબરમતી નદીમાં ત્રણેય મિત્રોએ ન્હાવાનું નક્કી કર્યું હતું. અને ત્રણેય નદી ઉપર આવ્યા હતા. જ્યાં રાજ, પ્રેમ અને વિશાલ નદીમાં ન્હાવા માટે ગયા હતા. બાદમાં પ્રેમ અને વિશાલ નદીનાં કિનારે આવીને બેસી ગયા હતા. ત્યારે પ્રેમે રાજને કહ્યું હતું કે તું પણ બહાર આવી જા. આપણે ત્રણેય બેસીને હસી મજાક કરીએ. જાેકે, રાજે એક બે ડૂબકી નદીમાં મારવાની ઈચ્છા વ્યક્ત કરતાં બંને મિત્રોએ જલ્દી બહાર આવી જવા માટે પણ તેને કહ્યું હતું. ત્યારે રાજ નાક પકડીને નદીમાં ડૂબકી મારવા લાગ્યો હતો. એક ડૂબકી માર્યા પછી રાજ બીજી ડૂબકી મારી હતી.પરંતુ આ વખતે રાજ પાણીની બહાર આવ્યો નહોતો. અમુક મિનિટો સુધી રાજ બહાર નહીં આવતાં કિનારે બેઠેલા પ્રેમ અને વિશાલે બૂમો પાડી હતી.છતાં રાજ બહાર નહીં આવતાં તેઓએ અડધો કલાક સુધી નદીમાં શોધખોળ આદરી હતી. આખરે રાજનો ક્યાંય પત્તો નહીં લાગતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે સબ ફાયર ઓફિસર કે જે ગઢવી સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને કલાકોની ભારે જહેમત પછી રાજની લાશને બહાર કાઢી હતી. આ બનાવના પગલે પરિવારજનો પણ નદીએ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *