ગાંધીનગર
ગાંધીનગર રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં કાયદાના પાઠ ભણનાર ૧૫ વિદ્યાર્થીનીઓને મુંબઈમાં મકાન ભાડે અપાવવાનાં બહાને ગઠિયાએ વિશ્વાસમાં લઈ રૂ. ૨.૭૩ લાખનું ફુલેકું ફેરવવામાં આવતાં ચકચાર મચી છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લાં ઘણાં વખતથી અવનવી તરકીબો અજમાવી ગઠિયાઓ ઓનલાઇન માધ્યમથી સાયબર ક્રાઇમનાં ગુનાને અંજામ આપી રહ્યા છે. એવામાં ગાંધીનગરનાં રાયસણ સ્થિત કાયદાનાં પાઠ ભણાવતી ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીની ૧૫ વિદ્યાર્થીનીઓ સાથે મુંબઇનાં વિકાસ સિંઘ નામના શખ્સે છેતરપિંડી આચરતા ચકચાર મચી છે. આ તમામ વિદ્યાર્થિનીઓએ ઁય્ માટે ઓનલાઇન માધ્યમથી રૂપિયા ટ્રાન્સફર કરી દીધા પછી ગઠિયાએ ફોન બંધ કરી દેતાં સમગ્ર મામલો ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં એલએલબીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી આરુષિ રાજેન્દ્ર કાંકરીયાએ ગત તા. ૨૩ મી ઓક્ટોબરના રોજ તેની બહેનપણી સીમરનને મુંબઈમાં પીજી તરીકે મકાન રાખવા બાબતે વાતચીત કરી હતી. આથી સીમરને પણ મુંબઈમાં કોલેજની ઇન્ટર્નશીપ કરવા પીજી માટે મકાન રાખવાનું હોવાથી વિકાસ સિંઘ નામના વ્યક્તિ સાથે વાતચીત કરતાં મુંબઈના લોઅર પરેલમાં મકાન અપાવી દીધું છે. જેનાં પગલે આરુષિએ પણ વિકાસ સિંઘને સાથે ફોન કરી મકાનની વાતચીત કરી હતી. જેથી વિકાસે ફ્લેટના ફોટા મોકલી આપી એક રૂમમાં ત્રણ જણા રહી શકશો. જે પેટે વ્યક્તિ દીઠ ૧૦ હજાર ભાડું અને ૫ હજાર સિક્યુરિટી પેટે એડવાન્સ આપવાની વાત કરી હતી. આમ વિકાસની વાતોમાં આવીને આરુષિએ ઓનલાઈન રૂ. ૧૫ હજાર ટ્રાન્સ્ફર કરી દીધા હતા. જેની અવેજીમાં તેણે રીસીપ્ટ પણ મોકલી આપી હતી. બાદમાં આરુષિને શંકા જતાં તેણે વિકાસ પાસે આધાર કાર્ડ માંગ્યું હતું. ત્યારે વિકાસે આધાર કાર્ડની જગ્યાએ બિઝનેસ કાર્ડ મોકલી આપ્યું હતું. જ્યારે બીજા દિવસે આરુષિને માલુમ પડયું હતું કે, વિકાસ સિંઘ નામના ગઠિયાએ ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતી દેવાંશી સોનીના ૧૫,૭૫૦, સંપદા પાંડેના ૨૪ હજાર, દીયા વૈષ્ણવના ૨૪ હજાર, તાન્યા કે.વીના ૨૪ હજાર, ઋત્વિક મોહનના ૨૪ હજાર, હેત્વ દવેના ૨૪ હજાર, પ્રિતીકા નેગીના ૧૫,૭૫૦,દીપાલી ગર્ગના ૨૪ હજાર, પ્રત્યુશા ઈવતુરીના ૨૪ હજાર, ઈશાની શેખરના ૧૫ હજાર, અનુષ્કા જુનેજાનાં ૧૨ હજાર, સિમરનનાં ૧૦ હજાર,અલૌકિતા પાઠકના ૧૦ હજાર અને શ્રેયા ગુપ્તાના ૧૨ હજાર મળીને ઉક્ત મોડસ ઓપરેન્ડીથી વિશ્વાસ સંપાદન કરીને કુલ રૂ. ૨ લાખ ૭૩ હજાર ૫૦૦ રૂપિયાનું ફુલેકું ફેરવી દેવામાં આવ્યું છે. આ વિધાર્થીઓએ પૈસા પરત માંગતા વિકાસ સિંઘે નંબર બ્લોક કરીને દેતા ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડે ગઠિયા વિકાસ સિંઘ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


