કરંજ : તા.૦૪ સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાંઠા વિસ્તારની ભટલાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ભરતભાઈ પટેલ સહપરિવાર તમિલનાડુ ખાતે દિવાળીની રજાઓ માણવા ગયા હતાં. જ્યાં આજરોજ તેમનું હાર્ટ એટેકથી અણધાર્યું આકસ્મિક દુઃખદ અવસાન થયું હતું.
ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં બાહોશ પ્રમુખ એવાં સ્પષ્ટ વક્તા, કાર્યદક્ષ, નિખાલસ, સરળ અને સૌમ્ય સ્વભાવ ધરાવતાં ભરતભાઈ પટેલનાં અવસાનનાં સમાચાર વાયુવેગે પ્રસરતાં ચોર્યાસી તાલુકા સહિત સમગ્ર સુરત જિલ્લાનાં શિક્ષણ આલમમાં દુઃખની લાગણી ફેલાવા પામી હતી.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષક સંઘનાં હોદ્દેદારો ઉપરાંત તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ અને મંત્રીઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી.


