જામનગર. કોરોના મહામારીના સંકટથી દેશ અને દુનિયામાં સૌ કોઈ પરેશાન છે. આ મહામારી અમીર, ગરીબ, મધ્યમવર્ગ સૌને પરેશાન કરી રહી છે. ત્યારે રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનો ગઇકાલે જન્મદિવસ હતો. લોકડાઉનની પરિસ્થિતિમાં અનંત અંબાણી ઘણા સમયથી રિલાયન્સ ટાઉનશીપ રહે છે.
આથી તેણે ગઇકાલે રાત્રે સાદાઇથી પોતાનો બર્થ ડે ઉજવ્યો હતો. તેના માતા નીતા અંબાણી અને પિતા મુકેશ અંબાણી સહિત સેલિબ્રિટીઓએ વીડિયો કેન્ફરન્સ મારફત શુભકામના પાઠવી હતી.
લોકડાઉન ખતમ નહીં થાય ત્યાં સુધી અનંત અંબાણી અહીં જ રહેશે
અનંત અંબાણીએ ગઈકાલે તેમનો જન્મદિવસ ખૂબ જ સાદગીથી રિલાયન્સ રિફાઈનગરીની જામનગર ખાતેની ટાઉનશીપમાં ગણ્યાગાંઠયા નજીકના સિનિયર્સની હાજરીમાં ઉજવીને એક દાખલો બેસાડયો હતો. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી હાલ મુંબઈથી તેમના માતા-પિતા અને પરિવારથી દૂર જામનગર ખાતે રિફાઈનરીની ટાઉનશીપમાં લોકડાઉન દરમિયાન રહે છે.
ગઈકાલે રાત્રે 12 વાગ્યે તેમણે પોતાનો જન્મદિન ખૂબ જ સાદગીથી ઉજવ્યો છે. આ પ્રસંગે રિફાઈનરીના થોડા જ સિનિયર અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અનંત અંબાણીને જન્મદિનની શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશનો ભક્ત છે. આથી અનંતે જન્મદિને પૂજા-અર્ચના પણ કરી હતી. અનંત અંબાણી પરિવારથી દૂર રહી જામનગર પાસે રિલાયન્સની રિફાઈનરીમાં ટાઉનશીપમાં રહી સ્ટે હોમનું પાલન કરી રહ્યા છે અને જ્યાં સુધી લોકડાઉન ખતમ નહીં થાય ત્યાં સુધી અનંત અંબાણી જામનગર ખાતે જ રહેશે.