Gujarat

જામનગર જનતા કર્ફયુમાં સ્વયંભૂ સજ્જડ બંધ

સ્વયંભૂ બંધ પાડી પ્રજાએ ઘરે રહી પરિવાર સાથે દિવસ ઉજવ્યો : વડાપ્રધાનની અપીલ સંદર્ભે તાળીઓ, થાળી, ઘંટનાદ, શંખનાદ વગાડી અભિવાદનનોવેલ કોરોના વાયરસની મહામારીએ હાલ સંપૂર્ણ વિશ્ર્વને ભયાનક ભરડો લીધો છે.

ભારતમાં આ મહામારીને સ્ટેજ 2 ઉપર જ રોકવા અને કોરોના વાઇરસનાં સંક્રમણને દેશમાં ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતા કર્ફયુની અપીલ કરી હતી જેને છોટીકાશી જામનગરની જનતાએ સમર્થન આપી એક દિવસ માટે ઘરમાં રહી જનતા કર્ફયુનો અમલ કરી કોરોના સામેની લડાઇમાં સૈનિકરૂપી ભૂમિકા ભજવી હતી.
જામનગર શહેર સહિત જિલ્લામાં ધ્રોલ, જોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા કર્ફયુની અસર જોવા મળી હતી. વહેલી સવારથી જ ટ્રેન, બસો, રીક્ષાઓના પૈડા થંભી ગયા હતા. મેડિકલને બાદ કરતા દુકાનોના શટર અને ઘરોના દરવાજા બંધ હતા. સડકો પર મોટા ભાગે ફક્ત કર્મયોગી જ તૈનાત જોવા મળતા હતા.
કલેકટર રવિશંકરે જનતા કર્ફ્યુ દરમિયાન જામનગરના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ હતું. શહેરની મુખ્ય બજારો સહિત સાત રસ્તા ચોક, વિરલ બાગ, ધનવંતરી અને પ્રદર્શન ગ્રાઉન્ડ તેમજ રાજકોટ- જામનગર હાઇવે સહિતના વિસ્તારોમાં ખુલ્લી સડકો પર ફક્ત પોલીસ, મેડીકલ, આરોગ્ય સહિત જિલ્લાતંત્રની ટીમ તૈનાત જોવા મળી રહી હતી. સાંજે 5 વાગ્યાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત સરકારની અપીલને માન આપીને શહેરીજનોએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા તથા લોકજાગૃતિ માટે કામ કરી રહેલા કર્મયોગીઓને પોતાના ઘરના દરવાજાઓ પર ઉભા રહીને થાળીનાદ, શંખનાદ અને ઘંટનાદ દ્વારા બિરદાવ્યા હતા. આમ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા રાષ્ટ્રવ્યાપી જનતા કર્ફયુના આહવાનને જામનગર જિલ્લામાં ખુબ જ અસરકારક જનસમર્થન મળ્યું હતું.

IMG-20200322-WA0036-1024x633.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *