Gujarat

જિલ્લા માહિતી કચેરી,ભાવનગર 92 વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયાં હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાયો ભાવનગરમાં*

*જિલ્લા માહિતી કચેરી,ભાવનગર*

*સઘન સારવાર, શ્રેષ્ઠ સેવા અને મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ*

*92 વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયાં હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાયો ભાવનગરમાં*

અહેવાલ લેખન – વિરેન્દ્રસિંહ પરમાર

ભાવનગરમાં આજે કોરોના ગ્રસ્ત 3 દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી ઘટના જોવા મળી હતી. કોરોનાને પરાસ્ત કર્યાની ખુશીમાં ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા એક ૯૨ વર્ષીય વૃદ્ધ ઉપસ્થિત સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ૯૨ વર્ષિય રજાકભાઈ કાદરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તા.28 માર્ચના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.જ્યાં મેડીકલ ટીમની સઘન સારવાર, તંત્રની શ્રેષ્ઠ સેવા અને રજાકભાઈના મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.જેના પરિણામ સ્વરૂપે રજાકભાઈએ 92 વર્ષની જૈફ વયે પણ સમગ્ર વિશ્વમાં મહામારીનું રૂપ ધારણ કરી ચૂકેલ કોરોના પર વિજય મેળવવામાં સફળતા હાંસલ કરી હતી.

Covid-19 પરના અભ્યાસો પરથી સાબિત થઈ ચૂક્યું છે કે આ રોગ 70 વર્ષથી વધુ ઉમર ધરાવતાં સંક્રમિત લોકોને વધુ હાનિ કરે છે.અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ રોગના કારણે મહત્તમ મૃત્યુ દર દર 70 વર્ષથી વધુ ઉંમરના લોકોનો નોંધાયો છે.ત્યારે પોતાની શ્રેષ્ઠ કાર્યદક્ષતા દ્વારા ઉપરોક્ત તમામ સંભાવનાઓ પર વિજય મેળવીને ભાવનગરની આરોગ્ય ટીમે ઇતિહાસ સર્જી સાબિત કરી દીધું છે કે સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ છે.

૯૨ વર્ષની ઉંમરે પણ રજાકભાઈમાં યુવાન જેવો તરવરાટ અને સ્ફૂર્તિ જોવા મળે છે. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા જાણવા મળ્યું કે રજાક ભાઈ સારવાર દરમિયાન પોતાને તથા બીજાને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહેતા અને નિયમિતપણે યોગ પ્રાણાયામ કરી પોતાના સ્વાસ્થ્યની દરકાર લેતા. તેમના મોં પર ક્યારેય ચિંતા કે ભયની રેખાઓ જોવા મળી ન હતી અને એટલે જ રજાકભાઈને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે તેઓ પોતાના આગવા અંદાજમાં શાયરીઓ બોલ્યા હતા અને ત્યારબાદ ઘરે જવા વિદાય લીધી.

સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ વિશે રજાકભાઈ એ જણાવ્યું હતું કે અહીંનો તમામ સ્ટાફ ખુબ જ સરળ સ્વભાવનો અને દરેક બાબતે દર્દીને સહાયરૂપ થાય તેવો છે. નાની નાની બાબતોમાં પણ અહીંના મેડિકલ સ્ટાફે મારી શ્રેષ્ઠ કાળજી લીધી છે. જેટલી વાર મને જરૂર પડી તેટલી વાર ડોક્ટરો, નર્સો મારી સેવામાં ખડે પગે હાજર રહ્યા છે. મારા જેવા વૃદ્ધની આટલી બધી દરકાર લેવા બદલ એ સૌનો તથા સમગ્ર તંત્રનો હું આભાર માનું છું.

અહેવાલ : આદીલખાન પઠાણ

IMG-20200416-WA0592-1.jpg IMG-20200416-WA0591-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *