આજે મોટાભાગના લોકો પાસે બેંકનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય છે. જેનો ઉપયોગ ચુકવણી કરવા અથવા પૈસા ઉપાડવા માટે થાય છે. ગયા વર્ષે કેટલીક બેન્કોએ તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સમાં ફેરફાર કર્યો હતો અને Wi-Fi ચિપ સાથે કાર્ડ આપવાના શરુ કર્યા હતા.
પરંતુ Wi-Fi કાર્ડથી ખતરો એ છે કે, પિન દાખલ કર્યા વિના તમારા બેંક ખાતામાંથી 2,000 રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરી શકાય છે. ત્યારે સવાલ એ છે કે તમારી પાસે આવું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે, તો છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય? તાજેતરમાં ગ્રેટર નોઈડા પોલીસે એક આરોપી પકડ્યો હતો જે POS(પોઇન્ટ ઓફ સેલ) મશીનને Wi-Fi વાળા કાર્ડ સાથે ટચ કરીને પૈસા ઉપાડી લેતો હતો.
Wi-Fi ક્રેડિટ-ડેબિટ કાર્ડને કોન્ટેક્ટલેસ કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડની મદદથી, POS મશીનમાંથી પિનનો ઉપયોગ કર્યા વિના 2,000 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેકશન કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે તમારા ખિસ્સામાં આવું કાર્ડ છે, તો ગઠિયા તમારા ખિસ્સા સાથે POS મશીનને ટચ કરીને 2 હજાર રુપિયાનો ચુનો લગાવી શકે છે.
આવા કાર્ડ્સની રેન્જ આમ તો માત્ર 4 સેન્ટિમીટરની હોય છે. Wi-Fi કાર્ડ ભલે તેનું નામ હોય પણ તેમાં Wi-Fiનો ઉપયોગ નથી. આવા કાર્ડ NFC(નીયર ફિલ્ડ કમ્યુનિકેશન) અને RFID(રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) ટેકનિક પર કામ કરે છે. કાર્ડમાં એક ચિપ હોય છે જે ખૂબ પાતળા મેટલ એન્ટેના સાથે જોડાયેલી હોય છે.
POS મશીન આ એન્ટેના દ્વારા સિગ્નલ મેળવે છે. હવે સવાલ એ છે કે જો તમારી પાસે Wi-Fi ચિપ વડે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ હોય તો તેને સુરક્ષિત કેવી રીતે રાખવું. હોટલ અથવા દુકાનમાં ચુકવણી કરતી વખતે કાર્ડને દુકાનદારને આપવાના બદલે તમારી સામે સ્વાઈપ કરો અને તે જ સમયે ટ્રાન્ઝેક્શનનો મેસેજ ચેક કરો.
જો તમારી પાસે આવા કાર્ડ છે, તો તેને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટી દો. તમે મેટલ વોલેટનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય RFID બ્લોક કરે તેવા વોલેટ પણ હવે મળે છે,તેનો ઉપયોગ કરી શકો છો.