અમરેલી જિલ્લાની બોર્ડર પરના રસ્તાઓ કામચલાઉ ધોરણે બ્લોક કરાયા
જિલ્લાની હદ પર આવેલાં ૧૦ તાલુકાના ૧૩૬ જેટલા ગાડામાર્ગો/ કેડી બ્લોક કરાયાં
અમરેલી, તા. ૨૧ એપ્રિલ
અમરેલી જીલ્લામાં આજદિન સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ ભવિષ્યમાં પણ જિલ્લાના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા વહીવટી તંત્ર દ્વારા તકેદારી સ્વરૂપે અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત માર્ગ અને મકાન પંચાયત વિભાગ અમરેલી દ્વારા અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર આવતા રસ્તાઓને કામચલાઉ બ્લોક કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાને રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગર મળી કુલ પાંચ જિલ્લાની હદ લાગે છે. આ જિલ્લાના આશરે ૮૦ જેટલાં નાના-મોટા ગામ પાંચેય જિલ્લાની બોર્ડર પર આવેલા છે. તેથી બોર્ડર પર આવેલાં ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો પરથી જિલ્લા બહારના કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરી શકે તે માટે તમામ રસ્તાઓ કામચલાઉ રીતે સીલ કરી દેવામાં આવ્યા છે.
જે અન્વયે કૂંકાવાવ તાલુકાના ૨૩, બાબરા તાલુકાના ૨૦, બગસરા તાલુકાના ૧૧, લાઠી તાલુકાના ૧૯, લીલીયા તાલુકાના ૫, સાવરકુંડલા તાલુકાના ૧૨, રાજુલા તાલુકાના ૨૧, જાફરાબાદ તાલુકાના ૧૨, ધારી તાલુકાના ૭ તેમજ ખાંભા તાલુકાના ૬ રસ્તાઓ કામચલાઉ ધોરણે બ્લોક કરવામાં આવ્યા છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756