અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ
સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ
કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ લગાવાયા
જાહેરમાં થૂંકવાના ૪૧ જેટલા કેસ : રૂ. ૭૪૦૦/- નો દંડ વસૂલાયો
અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના ચુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા વિવિધ કચેરીઓમાં પ્રવેશ સ્થળે સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ સહીત અરજદારોને પણ સાબુ અને પાણીથી હાથ ધોઈ અંદર પ્રવેશવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક કચેરીમાં કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. લાઠીમાં ભુરખિયા મંદિર સહિતના તમામ ધાર્મિક સ્થાનો પણ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અને પ્રવેશદ્વારે હોર્ડિંગ પણ લગાડવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલી કલેકટર કચેરી સહીત વિવિધ કચેરીઓમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે રાજુલા પ્રાંત અને મામલતદાર કચેરીનું પણ સેનિટાઇઝેશન કર્યું હતું. તા: ૧૩ થી સરકાર દ્વારા જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જેના અનુસંધાને જિલ્લાની તમામ નગરપાલિકા અને પંચાયતો દ્વારા જાહેરમાં થૂંકવા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં કુલ ૪૧ જેટલા કેસ કરી રૂ. ૭૪૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો.
રિપોર્ટ : રસિક વેગડા