Uncategorized

આપત્તિને સેવાના અવસરમાં પલટાવતી દાહોદની મહિલાઓ, માસ્ક બનાવવાની પ્રવૃત્તિનો ધમઘમાટ દાહોદના ગણેશ સખી

આપત્તિને સેવાના અવસરમાં પલટાવતી દાહોદની મહિલાઓ, માસ્ક બનાવવાની પ્રવૃત્તિનો ધમઘમાટ
દાહોદના ગણેશ સખી મંડળની મહિલાઓને સમય સંજોગો પારખી માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરતા સરકારી તંત્રના ઓર્ડર મળ્યા

સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોના વાયરસ નામની આપત્તિનો સામનો ગુજરાત સરકાર વિવિધ કદમ ઉઠાવીને કરી રહી છે. કોરોના વાયરસના ડ્રોપલેટ શરીરમાં શ્વાસ કે મોં વાટે શરીરમાં પ્રવેશ તો આ રોગ લાગું પડવાની પૂર્ણ સંભાવના રહેલી છે. આવા સંજોગોમાં માસ્ક પહેરવું એક સલામતીભર્યું પગલું છે. પરંતુ, આપત્તિ સમયે મોટી સંખ્યામાં માસ્કની જરૂરિયાત ઉભી થતાં તેની બજારમાં તંગી વર્તાઇ રહી છે. એવા વખતે દાહોદમાં ગણેશ સખી મંડળની મહિલાઓએ આ આપત્તિને અવસરમાં પલટાવીને માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ સખી મંડળ દ્વારા પ્રતિદિન ૩૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન થઇ રહ્યું છે.
દાહોદ નજીક છાપરી ગામમાં રેલ્વે હોસ્પિટલ પાસે રહેતા ૬૦ વર્ષીય અલ્કાબેન ગૌતમ વર્ષ ૧૯૯૨થી સખી મંડળની વિવિધ સ્તરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમના પાસે પરસ્પર સહકારથી આર્થિક પ્રવૃત્તિ કરવાનો વ્યાપક અનુભવ છે. તેમણે જ દાહોદમાં નવતર પ્લાસ્ટિક કાફે શરૂ કર્યું છે. આ પ્લાસ્ટિક કાફેમાં પ્લાસ્ટિક આપવાથી ગરમા ગરમ નાસ્તો સાવ મફત આપવામાં આવે છે. પરંતુ, હાલમાં કોરોના વાયરસની સ્થિતિને પગલે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી તેમનું પ્લાસ્ટિક કાફે બંધ કરવામાં આવ્યું છે.
ગણેશ સખી મંડળ દ્વારા સંચાલિત પ્લાસ્ટિક કાફે બંધ થતાં ઘરે રહેલી મહિલાઓએ સમય અને સંજોગો પારખીને માસ્ક બનાવવાનું શરૂ કર્યું. હાલમાં પ્રતિદિન અલ્કાબેનના ઘરે બે કે ત્રણ મહિલાઓ એકઠી થાય છે અને માસ્ક બનાવવાની કામગીરી કરે છે. કેટલીક મહિલાઓ પોતાના ઘરેથી જ આ કામગીરી કરી રહી છે.
તેઓ મલ્ટી લેયર માસ્ક બનાવી રહ્યા છે. આ માસ્ક બનાવવા માટે જરૂર પડતા કપડા અને રબર ખરીદી કરવામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મદદ કરી રહ્યું છે. બજારો બંધ હોવાથી વેપારીઓનો સંપર્ક સાધી તેમને માસ્ક બનાવવાનું કાપડ ખરીદવાની મદદ કરવામાં આવી રહી છે. આ પૂર્વે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ સખી મંડળને રૂ. ૧૨ હજારનું રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવ્યું હતું.
ગણેશ સખી મંડળની બહેનો દ્વારા હાલમાં પ્રતિદિન ૩૦૦ માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર સહિતની સંસ્થાઓ દ્વારા તેમને ૨૫૦૦ માસ્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે તેઓ રૂ. ૧૩ લેખે એક માસ્કનું વેચાણ કરે છે. પણ, મોટા ઓર્ડર ઉપર રૂ. ૧૦ લેખે પણ માસ્ક આપે છે.
ગણેશ સખી મંડળની મહિલાઓ પોતાના જ ઘરે, સિલાઇ મશીન વડે માસ્ક બનાવવાની કામગીરી ઝડપથી થઇ રહી છે. આ મહિલાઓએ કોરોના વાયરસ નામની આપત્તિને અવસરમાં પલટાવી નાખી છે અને પ્રવૃત્તિ વિના ઘરે બેસી રહેવા કરતા અર્થોપાર્જન માટે માસ્ક બનાવવાની કામગીરી કરી રહી છે.

IMG-20200325-WA0072-2.jpg IMG-20200325-WA0074-1.jpg IMG-20200325-WA0075-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *