*કોરોનાની પરિસ્થિતિમાં જિલ્લાના બાળ સંભાળ ગૃહોના બાળકોને રૂ. ૧૫૦૦ની સહાય*
*અમરેલી જિલ્લાના બાળ સંભાળ ગૃહોના ૬૨ બાળકોના વાલીઓને રૂ. ૯૩,૦૦૦ ચુકવાયા*
અમરેલી, તા. ૧૩ એપ્રિલ
કોરોનાના હાહાકાર વચ્ચે પણ સરકારી એકમો નાગરિકોની સુવિધા તેમજ સુરક્ષા માટે સતત કાર્યરત છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને સમાજ સુરક્ષા ખાતું ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કાર્યરત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અમરેલી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા જિલ્લાના બાળ સંભાળ ગૃહોમાં રહેતા બાળકોની ખાસ દરકાર કરવામાં આવી છે. કોવિડ-૧૯ના વધતા વ્યાપને કારણે રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોના વાલીઓને આર્થિક મદદ પેટે રૂ.૧૫૦૦ની સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમરેલી જિલ્લાના બાળ સંભાળ ગૃહોના કુલ – ૬૨ બાળકોના વાલીઓને કુલ રૂ. ૯૩૦૦૦ ની ચુકવણી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં બાળ સંભાળ ગૃહોમાં આશ્રય લઈ રહેલા બાળકોને કોરોનાના કારણે જાહેર થયેલા ૨૧ દિવસના લોકડાઉનની સ્થિતિ પૂરતા તેમના વાલીઓને સોપવામાં આવ્યા છે. સમાજના તમામ વર્ગોની દરકાર કરતી સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા બાળસંભાળ ગૃહોમાં રહેતા બાળકોના વાલીઓને એપ્રિલ ૨૦૨૦ માસમાં રૂ. ૧૫૦૦ સહાય પેટે ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)