Uncategorized

કોરોનાનું સંક્રમણ અટકાવવા હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓએ નિયમોનું કડક પાલન કરવા સૂચના

કોરોનાનું સંક્રમણ અટકાવવા હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓએ નિયમોનું કડક પાલન કરવા સૂચના

ગ્રામ્ય તેમજ નગરપાલિકા કક્ષાએ બનેલી સમિતિએ હોમ કોરેન્ટાઇન પરિવારોને જીવનજરૂરિયાતની ચીજો પહોંચાડવી

અમરેલી, તા: ૧૪ મે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારનાં જાહેરનામા અનુસાર કોરોના કેસ છેલ્લા ૧૪ દિવસમાં નોંધાયેલા હોય તેવા કોઈપણ વિસ્તારમાંથી આવતા વ્યક્તિએ તાવ, કફ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઇ લક્ષણ ન હોય તો પણ પોતે ઘરે જ એકાંતમાં રહેવું અને મોઢા તથા નાકને માસ્ક સુધી ઢાંકવાનું રહેશે.
કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે હોમ કોરેન્ટાઇન હેઠળ રહેલા કુટુંબોએ નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ લોકોએ પૂરતા હવા-ઉજાસવાળા અલાયદા રૂમમાં રહેવું, અને બહાર અવરજવર કરવી નહીં. જો અન્ય કુટુંબીજનોને એક જ રૂમમાં રહેવું પડે તેમ હોય તો વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવાનું રહેશે. ઘરની અંદર વૃધ્ધો, સગર્ભા સ્ત્રી, બાળકો તથા શારીરિક અક્ષમતા ધરાવતા વ્યક્તિઓથી દુર રહેવું. આવા લોકોએ લગ્ન કે શોક પ્રસંગ જેવા સામાજિક કે ધાર્મિક મેળાવડામાં હાજરી આપવી નહીં. તેમજ દર ત્રણ કલાકે સાબુ તથા પાણીથી કે હેન્ડ સેનેટાઇઝરથી ૨૦ સેકન્ડ માટે ફરજિયાત હાથ ધોવાના રહેશે. ઘરના અન્ય સદસ્યો સાથે ડીશ, ગ્લાસ કે તેના જેવા અન્ય ઘર વપરાશના સાધનો વાપરવા નહીં. અને સતત માસ્ક પહેરી રાખવું. દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિઓએ નિયમિત માસ્કને ડિસઇન્ફેકટ કરવાનું રહેશે. જો કોઈપણ ને સંક્રમણના લક્ષણો જણાય તો તાત્કાલિક કંટ્રોલરૂમ – ૦૨૭૯૨- ૨૨૮૨૧૨,૮૨૩૮૦૦૨૨૪૦ કે નજીકના સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.
ઉપરાંત બહારથી કોઈપણ મુલાકાતીઓને પ્રવેશ આપવો નહીં. ક્વોરેન્ટાઇન માં રહેલ વ્યક્તિમાં કોવિડ ૧૯ના કોઈ લક્ષણો માલુમ પડશે તો તેની નજીકના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિને રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ૧૪ દિવસ સુધી ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. વારંવાર વ્યક્તિઓનો સ્પર્શ થતો હોય એવા દરવાજાના હેન્ડલ, દીવાલનો એરિયા, ટેબલ, રેલિંગ વગેરેને ડિસઈનફેક્ટ કરતા રહેવું.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોમકોરેન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓ નિયમોનું પાલન કરે તે માટે ગ્રામ્ય તેમજ નગરપાલિકા કક્ષાએ સમિતિ બનાવવામાં આવી છે. જેને આવા કુટુંબને અતિઆવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવે પહોંચાડવાની રહેશે. કોઈ ખેડૂત કુટુંબને હોમકોરેન્ટાઇન કર્યા હોય તો તેમને ૧૪ દિવસ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ સાથે પશુઓને લગતી ઘાસચારા જેવી ચીજવસ્તુઓ પણ પૂરી પાડવાની રહેશે. ઉપરાંત અન્ય કોઇ બહારની વ્યક્તિ તે ઘરમાં ન પ્રવેશે તે તેની તકેદારી રાખવાની રહેશે. હોમ કોરેન્ટાઇન કરવામાં આવેલા કુટુંબ દુધાળા પશુ ધરાવતા હોય તો તે દૂધ માત્ર પોતાનાં ઉપયોગ માટે જ લઇ શકશે, ૧૪ દિવસ દરમિયાન દૂધ વેંચી શકશે નહીં.
ઉપરાંત આ કુટુંબને અતિ આવશ્યક ચીજો ઘરની બહાર મૂકી અને કુટુંબના સંપર્કમાં ન આવે તે રીતે પહોંચાડવાની રહેશે. આ કુટુંબોના ઘરમાં ચોકીદાર, માળી, કામવાળાને પ્રવેશ આપવામાં આવશે નહીં. એકલા રહેતા વૃદ્ધ તેમજ દિવ્યાંગ વ્યક્તિ સ્થાનિક સત્તામંડળની પૂર્વ પરવાનગી મેળવી આ સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. હોમકોરેન્ટાઇન કરાયેલા વ્યક્તિ જે ખાનગી વાહનમાં આવ્યા હોય તેને પણ ડિઝઇન્ફેકટ કરવાનું રહેશે. આ નિયમોના ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાંઓ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *