Uncategorized

ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે દાહોદની સેવાભાવી સંસ્થાદઓ દ્વારા પર્જન્ય યજ્ઞ દાહોદના ૩૧ પછાત વિસ્તારોના ૩૫૦૦ ગરીબો

ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે દાહોદની સેવાભાવી સંસ્થાદઓ દ્વારા પર્જન્ય યજ્ઞ
દાહોદના ૩૧ પછાત વિસ્તારોના ૩૫૦૦ ગરીબો પરિવારોની રાશન કિટ્સ આપી ક્ષૃધાતૃપ્તિ
રામ રોટી મંડળ, લાયન્સ ક્લબ, દશા નીમા યુવા મંડળ, નગર વિચાર મંચ જેવી સંસ્થાઓ દ્વારા રાશન કિટ્સ બનાવી જરૂરતમંદ પરિવારોમાં થતું વિતરણ
ખાસલેખ – દર્શન ત્રિવેદી/મહેન્દ્ર પરમાર
જ્યારે સેવાનો સાદ પડે ‘ને તમે યશાશક્તિ મદદ કરવા તત્પર બનો તેનું જ નામ માનવતા. કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે સંકટમાં આવી પડેલા પરિવારોને વ્હારે આવવાનો સાદ પડતાની સાથે જ દાહોદ નગરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્તરે મદદ કરવામાં આવી રહી છે. દાહોદ નગરના ૩૧ જેટલા પછાત વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ૩૫૦૦ જેટલી રાશન કિટ્સ જરૂરતમંદોને વિનામૂલ્યે આપવાનું આયોજન છે.
દાહોદની સેવાભાવી સંસ્થાઓ નગર વિચાર મંચ, દશા નીમા વણિક યુવા સંગઠન, ગોદી રોડ લાયન્સ ક્લબ દ્વારા અહીંના ૩૧ પછાત વિસ્તારોમાં તેલ, બેસન લોટ, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ અને સાબુની ગોટી સાથેની એક કિટ પહોંચાડવાનું આયોજન છે.
અહીંના માણેક ચોક ખાતે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નગર વિચાર મંચના રાજેશભાઇ શેતર સહિતના યુવાનો જીવન જરૂરી રાશનની કિટ્સ બનાવી રહ્યા છે. તે કહે છે, દાહોદ નગરમાં અમે ૩૧ વિસ્તારો એવા છે કે જ્યાં અધિકાંશ ડેઇલ વેજર્સ એટલે કે રોજનું કમાઇ, રોજનું ખાતા હોય છે. આ વિસ્તારમાં રહેતા લોકો મોટાભાગે છૂટક શ્રમકાર્ય કરે છે. લોકડાઉનને કારણે આવા પરિવારોને કોઇ મુશ્કેલી ના પડે એટલે અમે ઘઉંનો લોટ, તેલ, તુવેર દાળ, ચણાનો લોટ અને ખાંડ તેમજ સાબુની ગોટી સહિતની કિટ્સ આપીએ છીએ. અત્યાર સુધીમાં અમે એક હજાર જેટલી કિટ્સનું વિતરણ કરી ચૂક્યા છીએ.કુલ ૧૮૦૦ કિટ્સ વિતરણ કરવાનું આયોજન છે.
તે કહે છે, અમે સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરીને કિટ્સનું વિતરણ કરીએ છીએ. જેથી કોઇ વિસ્તારમાં બે વખત વિતરણ થાય નહીં કે કોઇ જરૂરતમંદ પરિવાર આ કિટથી વંચિત રહી ન જાય. અમે વિતરણ કરવા માટે જઇએ ત્યારે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરીએ છીએ. અત્યાર સુધીમાં સાડા સાત લાખ રૂપિયાનું રાશન ગરીબગુરબાઓને આપ્યું છે.
આપત્તિના આ સમયમાં નગર વિચાર મંચને સર્વ સમાજનો સહયોગ મળ્યો છે. ખાસ કરીને દાહોદમાં વસતા વ્હોરા સમાજના સંપન્ન પરિવારોએ તેમને ઉદ્દાતભાવે દાન આપ્યું છે.
વિપદા સમયે એકબીજાની મદદ કરીએ એ આપદાધર્મ છે, એ વાતની સાખ દાહોદના દશા નીમા વણિક સમાજનું યુવા સંગઠન પૂરૂ પાડે છે. દેસાઇ વાડા ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રમાં યુવાનો રાતદિન એક કરીને રાશન કિટ્સ તૈયાર કરી રહ્યા છે. આ યુવાનોએ પટેલિયા વાડ, ડાંગી ફળિયુ, ભીલ વાડ સહિતના વિસ્તારોમાં ૬૦૦ જેટલી કિટ્સનું વિતરણ કર્યું છે.
અન્ય સમાજને સેવા કાર્યની પ્રેરણા મળે એ રીતે દાહોદના આ વણિક સમાજે કાર્ય કર્યું છે. વણિક સમાજના આગેવાનોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી રાશન કિટ્સમાં જરૂરી વસ્તુઓની યાદી તમામને મોકલી અને એક કિટ દીઠ રૂ. ૫૦૦ દાન આપવાની હાકલ કરી. તેને અદ્દભૂત પ્રતિસાદ મળ્યો. કોઇએ એક કિટ તો કોઇએ જેટલી આર્થિક મદદ જોઇએ એટલી આપવાની તત્પરતા દાખવી. તેમ શ્રી સ્વપ્નિલ દેસાઇએ જણાવ્યું.
લોકડાઉનની જાહેરાત થયા બાદ જોખમ ઉઠાવી પગપાળા પોતાના વતન જવા નીકળી પડેલા શ્રમિકોની ક્ષૃધા તૃપ્ત કરવામાં પણ આ યુવાનોએ કોઇ પાછી પાની કરી નહી. ખાસ કરીને ઇન્દોર હાઇ વે ઉપર બે દિવસ સુધી અંદાજે બે હજાર કરતા પણ વધુ પ્રવાસીઓને તેમણે પૂરી શાક કે સૂકા નાસ્તાનું ભોજન કરાવ્યું. સેવા કરવાનો પોતાનો અનુભવ વ્યક્ત કરતા સુશ્રી તુલસી શાહ કહે છે, એ રાતે તો માનવતા રસ્તા ઉપર નીકળી પડી હતી. કોરોના પ્રત્યેનો ડર એટલો હતો કે શ્રમિકો રીતસરના ભાગી રહ્યા હતા. હદ તો ત્યારે થઇ ગઇ કે વાહનમાં કચરા ભરવાના બોક્સમાં પણ શ્રમિકો મુસાફરી કરી રહ્યા હતા. અમે કોરોના પ્રત્યે કોઇ ડર રાખ્યા વીના સલામતી રાખવા સમજાવ્યા. કેટલાક તો એમાં ૩૬ કલાકથી તરસ્યા હતા. એવા લોકોને પાણી અને ભોજન આપ્યું. આવા સમયે સેવાનું મહાત્મ્ય આપણને સમજાય છે.
દાહોદમાં જઠરાગ્નિની તૃપ્તિની વાત આવે તો દૂધમતિના કિનારે આવેલા સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી રામ ભક્ત રામ રોટી મંડળ કેમ પાછળ રહે ? સામાન્ય દિવસોમાં પણ અભ્યાગતોને ભોજન આપતા રામ રોટી મંડળે તો લોકડાઉનની સ્થિતિમાં ગરીબોની આંતરડી ઠારવામાં રંગ રાખી દીધો છે. શ્રમિકોના પગપાળા પ્રવાસ દરમિયાન ૧૫૦૦થી પણ વધુ લોકોને મંડળે ભોજન કરાવ્યું હતું. આજે પણ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને જરૂરી હોય ત્યા ફૂડપેકેટ્સ પહોંચાડવાનું કામ રામ રોટી મંડળ કરી રહ્યું છે.
આમ, આપદાના સમયે સામાજિક સંગઠનો એક બની લોકસેવાનું અનન્ય કાર્ય સરકારના ખંભેથી ખંભે મીલાવી કરી રહ્યા છે. આવા સમયે લોકોની મદદ કરવી એ માનવતા-પુણ્યનું કાર્ય છે.
રેપોટર :- જેની શૈખ

IMG-20200401-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *