*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*લોકડાઉન અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓક દ્વારા જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી*
ભાડુઆતો પાસેથી મકાનમાલિકો એક મહિના સુધી ભાડું માંગી શકશે નહીં
લોકડાઉન દરમિયાન પણ ઉદ્યોગકારો-ધંધાદારીઓએ શ્રમિકોને મહેનતાણું ચૂકવવું પડશે
ઉદ્યોગકારો શ્રમિકોને રહેઠાણનું સ્થળ છોડવા દબાણ નહીં કરી શકે
લોકોને કામ વગર ઘરની બહાર નીકળવા, જિલ્લાની હદ ક્રોસ કરવા પર પ્રતિબંધ
અમરેલી, તા. ૧ એપ્રિલ
હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ ખેલી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કોરોનાને મહામારી તરીકે જાહેર કર્યું છે ત્યારે કોરોના સામે નાગરિકોને રક્ષિત કરવા આપણાં વડાપ્રધાનશ્રીએ દેશભરમાં ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાત કરી, ૨૧ દિવસ સુધી લોકોએ પોતાના ઘરમાં જ રહેવા જણાવાયું છે. આ દિવસો દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સિવાય સમગ્ર દેશમાં પ્રાઇવેટ કંપનીઓ, ઓફિસો, બાંધકામ ઉપરાંત તમામ રોજગાર, ધંધાઓ બંધ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું કે જિલ્લાની સરહદ ક્રોસ કરવી નહીં તેમજ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું. જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની ભાડાવાળી જગ્યા છોડવાનું કહી શકશે નહીં. તેમજ જિલ્લા વિસ્તારમાં મજૂરો, સ્થળાંતર થયેલ લોકો સહિત જે લોકો ભાડેથી રહે છે, તેમના મકાનમાલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. ઉપરાંત કોઈપણ ઉદ્યોગ વ્યાપારિક કે વાણિજ્યિક સંસ્થા, દુકાન, કોન્ટ્રાક્ટર તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક તેમના કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં, ઉપરાંત લોકડાઉન સમયે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હોય તો પણ શ્રમિકોને કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું ચૂકવવાનું રહેશે.
લોકડાઉન દરમિયાન ઉદ્યોગ, સંસ્થા કે દુકાન વગેરેમાં કાર્યરત મજૂરો, કામદારો કે ખેત મજુરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેમણે રહેણાંક છોડવું નહીં. આ પ્રકારના મજૂરવર્ગના લોકો રહેણાંક ન છોડે અને લોકડાઉનનો ભંગ ન કરે તેની તકેદારી તેમને કામે રાખનાર ઉદ્યોગકારો, કોન્ટ્રાક્ટરો, દુકાનદારો અને બિન અસંગઠિત મજૂરોને કામ આપનાર સંસ્થાઓ અથવા વ્યક્તિઓ વગેરેએ રાખવાની રહેશે.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતા તેમજ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નાયબ શ્રમ આયુક્ત, મદદનીશ શ્રમ આયુક્ત, સરકારી શ્રમ અધિકારી તેમજ ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેના ઉપરી અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)