*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
અમરેલી જિલ્લામાં ૫ સ્થળે શેલ્ટર હાઉસ કાર્યરત
અત્યાર સુધીમાં કુલ ૧૪૯૨ વ્યક્તિઓને લીધો શેલ્ટર હાઉસમાં આશ્રય
આશ્રયગૃહમાં તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્યલક્ષી સવલતો ઉપલબ્ધ
પરપ્રાંતિય લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરતું અમરેલી જીલ્લા વહીવટીતંત્ર
સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજનના આશરે ૧.૫ લાખથી વધુ ફુડ પેકેટ/ટીફીન જરૂરિયાતમંદ લોકોના ઘરે પહોંચાડાયા
અમરેલી, તા. ૭ એપ્રિલ
હાલ સમગ્ર દેશ કોરોનાની ભયંકર મહામારીથી પીડાઈ રહ્યો છે. કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવવા વડાપ્રધાનશ્રી દ્વારા લેવામાં આવેલાં લોકડાઉનના નિર્ણયનો રાજ્ય સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં વસવાટ કરતાં પરપ્રાંતિય લોકો તેમજ મજૂરવર્ગ માટે જિલ્લાના વિવિધ ૫ તાલુકા ખાતે શેલ્ટર હાઉસની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના લાઠી, ધારી, સાવરકુંડલા, રાજુલા તેમજ અમરેલી શહેર ખાતે આ પ્રકારના આશ્રયઘર ઉભા કરવામાં આવ્યા છે. તમામ કેન્દ્ર પર જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્યલક્ષી સવલતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૪૯૨ વ્યક્તિઓને આ શેલ્ટર હાઉસમાં આશ્રય આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ શેલ્ટર હાઉસમાં તમામ લોકો માટે ચા, નાસ્તો તેમજ રાત્રિ અને બપોરના ભોજનની વ્યવસ્થા એન.જી.ઓ. દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લામાં હાલ ૫૪ જેટલી સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. અને તેઓ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને સમયાંતરે તૈયાર અને કાચા અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. આજ સુધીમાં સવારનો નાસ્તો બપોર તેમજ સાંજનું તૈયાર ભોજનના આશરે ૧.૫ લાખથી વધુ ફુડ પેકેટ/ટીફીન જરૂરિયાતમંદ લોકોના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આશરે ૫૦૦૦ જેટલી રાશનકીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લામાં જરુરિયાતમંદો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરી સંબંધિતોના નંબર સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે. જિલ્લા કંટ્રોલ રૂમ, સોશિયલ મીડિયા, કેન્દ્ર તથા રાજ્ય કંટ્રોલ રૂમ પરથી મળતી ૫૦થી વધુ રજૂઆતોનો તત્કાલ નિકાલ અને એકશન ટેકન રિપોર્ટ ભરવામાં આવ્યો છે.
—————-
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)