*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વાકરા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું*
અમરેલી, તા. ૩૦ માર્ચ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આવા સમયે અનેક સામાજિક સંસ્થાઓ તેમજ પ્રાઇવેટ કંપનીઓ સાથે ઘણા લોકો જરુરિયાતમંદ લોકોની વહારે આવી રહ્યા છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, પીપાવાવ દ્વારા રાજુલાની આસપાસના વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને ચોખા, લોટ જેવાં ખાદ્યપદાર્થોના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે મજૂરી કરીને દરરોજનું કમાતા રોજમદારોને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડે છે ત્યારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવ દ્વારા આ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખરેખર સરાહનીય છે.
પીપાવાવ કોસ્ટ ગાર્ડ સ્ટેશનના કમાન્ડન્ટ શ્રી મોબીન ખાને આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન દ્વારા રાજુલાની આસપાસના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ લોકોને ફુડ પેકેટ આપવાનું શરૂ કર્યું છે. ગરીબ લોકોને બે ટંક જમવાનું મળી રહે તે માટે અમે તેઓને લોટ, ચોખા જેવી ચીજવસ્તુઓ આપીને તેમની અંશતઃ મદદ કરી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ફરજ અદા કરી રહ્યા છીએ.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)