Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 કાકડી અને તુરિયા ખેડુત માટે બન્યા આર્થિક સધ્ધરતાનું માધ્યમ ખોરાસાનાં રાજુભાઇ બોરીચાએ શાકભાજી વાવેતરમાં કાઠુ કાઢયુ

 

જૂનાગઢ
તા.20.3.2020

કાકડી અને તુરિયા ખેડુત માટે બન્યા આર્થિક સધ્ધરતાનું માધ્યમ
ખોરાસાનાં રાજુભાઇ બોરીચાએ શાકભાજી વાવેતરમાં કાઠુ કાઢયુ

ખોરાસાનાં ખેડુત કાકડી-તુરિયાના વાવેતર ઉત્પાદનમાં થયા નિષ્ણાત

૧૮ વિઘા જમીન પૈકી ૬ વિઘામાં કાકડી-તુરીયા વાવી ઉત્પાદન મેળવે રૂા. ૬લાખનું
સંકલનઃ-અર્જૂન પરમાર, નાયબ માહીતી નિયામક-જૂનાગઢ
, ૨૬ કે ૨૮ વર્ષે તબીબી વિદ્યાશાખામાં કોઇ વિદ્યાર્થી અભ્યાસ કરી ઓર્થોપેડીકમાં, સર્જરીમાં કે સ્ત્રી રોગમાં નિષ્ણાંત બની અને નિષ્ણાંત બન્યા પછી સરકારી નોકરી કરે કે પોતાની હોસ્પીટલ શરૂ કરે માસીક આવક બે લાખને પાર થાય તેમાં કોઇ બે મત નથી.
આપણે નિષ્ણાંત ડોકટરની નહિં પરંતુ નિષ્ણાંત ખેડુતની વાત કરવી છે.વંથલી તાલુકાનાં ખોરાસા(આહીર)નાં રાજુભાઇ અરજણભાઇ બોરીચાની. રાજુભાઇએ કાકડી અને તુરિયાના વાવેતર અને ઉત્પાદનમાં એવી મહારત હાંસલ કરી છે કે, ભલભલાને ઈર્ષા થાય. છ વિઘા જમીનમાં કાકડી-તુરિયાનું વાવેતર કરી ૬ લાખની કમાણી કરે છે. અર્થાંત એક વિઘો જમીન તેમને ચોખ્ખા એક લાખ આપે છે. હા પાછુ નહિં દર્દી તપાસવાનાં નહિં હોસ્પીટલ બનાવવાની,નહીં ઓપરેશન કરવાનાં,આરામથી વાડીએ આંટો મારવાનો શ્રમીકો પાસે કામ લેવાનું થોડુ કામ કરવાનું અને ભયો-ભયો.
આત્માનાં માર્ગદર્શનને પોતાનું આત્મબળ ગણાવી રાજુભાઇ પોતાની માંડીને વાત કરતા કહ્યુ કે વર્ષ ૨૦૧૨-૧૩માં આત્માના માધ્યમથી નવસારીનો પ્રેરણા પ્રવાસ કર્યો…ત્યાંનાં ખેડુતોની વાવેતર પધ્ધતિ ઉત્પાદન નિંહાળ્યા બસ ત્યારની ઘડીને આજનો દિવસ…. પરંપરાગત ખેતીને તિલાંજલી આપી, ઓર્ગેનિક ખેતી સાથે શાકભાજી વાવેતર શરૂ કર્યુ.ચોમાસામાં મલ્ચીંગ સાથે તુરિયા-કાકડી વાવવાનાં,ઉનાળામાં મલ્ચીંગ વગર દેશી તુરીયા અને કાકડી વાવવાનાં …પાંચ કીલોનાં પેકીંગમાં સીધા શાકભાજીનાં માર્કેટ યાર્ડમાં વેચવાના એટલે પુરો લાભ મળે.જમીન ઓર્ગેનિક બનતા રોગ જીવાત નિયંત્રીત થાય. બસ આ સાદો અને સીધો ઉપાય અજમાવી ખેતીને નફાકારક બનાવી છે.રાજુભાઇની વાતમાં સુર પુરાવી કાનાબાપએ કહયુ કે, શાકભાજી વાવેતાર નફાકારક છે.
દેશી બિયારણ શ્રેષ્ઠ
તુરિયા કાકડી અને અન્ય પાકોના વાવેતરમાં હાઈબ્રીડ અને સુધારેલ બિયારણોનું વાવેતર કરી તમામ પ્રયોગો રાજુભાઇ બોરીચાએ અપનાવ્યા, પરંતુ રાજુભાઇ બોરીચાએ કહ્યુ કે તુરિયા-કાકડીમાં આપણું દેશી બીયારણ શ્રેષ્ઠ છે. એક ફુટનાં કોઇપણ જાતનાં સડા વગરનાં તુરિયા અને કાકડી દેશી બિયારણથી શક્ય છે.અને તેનો ટેસ્ટ પણ સારો છે.
દેશી તમાકુ-મરચા-ગૈામુત્ર અને લસણનો ઉકાળો દેશી દવા
આર્ટસમાં સ્નાતક થયેલ રાજુભાઇ બોરીચા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને તિલાંજલી આપતા કહે છે કે આપણાં દેશી ઓસડીયા માનવ શરીર માટે ઉત્તમ છે.તેમ અમે બનાવેલો દેશી ઉકાળો ખેતી પાકમાં રોગ નિયંત્રણ માટે અસરકારક છે.બસ રીત સાવ સાદી છે. દેશી તમાકુ, લસણ, ગૈા-મુત્ર અને મરચાને પલાળી ઊકાળો બનાવી નાખવાનો પછી એ નિયત માત્રામાં દવા છાંટવાનાં પંપથી છંટકાવ કરવાનો જેનાથી ખેતી ખર્ચ ઘટશે અને રોગ નિવારણ પણ થાય છે.
લીલા તુરિયા સાથે તુરીયાનાં બિયારણનાં વેપારી બન્યા
વર્ષ ૨૦૧૧-૧૨માં તાલુકા કક્ષાનાં બેસ્ટ ફાર્મર એવોર્ડ સાથે રૂા.૧૧ હજારનાં પુરસ્કારનાં વિજેતા રાજુભાઇ બોરીચા માત્ર તુરીયા અને કાકડીનુ વાવેતર નથી કરતાં પણ તુરીયાનાં બિયારણના પણ વેપારી બની ગયા છે. તેઓનું તુરિયાનું બીયારણ ત્રણ હજાર રૂપીયે કીલોગ્રામ વેચાઇ રહ્યુ છે. અને ખેડુતોને વેચાણ કરે છે.
ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી પાણીનો કરે છે બચાવ
ખેતી નોકરી જેવી છે, ચીવટથી કરો તો સારૂ બાકી બે પાંદડે થતા પરસેવો વળી જાય તેમ જણાવી રાજુભાઇ કહે છે કે ટપક સિંચાઇ પધ્ધતિનો ખુબ ફાયદો છે. નિંદામણ ના થાય, એટલે મજુરી ખર્ચ ઘટે, ઊનાળામાં એક કલાકનું પાણી હોય તો પણ છ વિઘાનું પીયત થાય, આપણી પરંપરાગત રેળ પધ્ધતિમાં ટપક પધ્ધતિ કરતા ૧૦ ગણું પાણી જોઇએ. અને ઉત્પાદન ઓછુ થાય, પાકને માત્ર ભેજ જોઇએ છે.પાણીમાં ધુબાકા નથી ખવડાવવાનાં
રાજુભાઇ ઓર્ગેનીક ઘઊંનાં મણનાં રૂા.૭૦૦ ભાવ મેળવે છે.
ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતીનાં લાભ વર્ણવતા રાજુભાઇ બોરીચા કહે છે કે મને ઓર્ગેનિક ટુકડા ઘઊંનાં રૂા. ૭૦૦ ભાવ મળ્યા હતા.મારી વાડીમાં ઉત્પાદિત ઘઊંને મેં ચારણો મરાવી(ગ્રેડીંગ કરી) વિણાટ ઘઊંના કટા બનાવી સીધા વપરાશકર્તાઓને વેચ્યા હતા. અને ઓર્ગેનિક ઘઉ હોવાથી મને મણ(૨૦ કીલો)નાં રૂા. ૭૦૦ ભાવ મળ્યો હતો. બસ ખેતીમાં થોડો ફેરફાર કરવાની આવશ્યકતા છે. ગ્રેડેશન કરો માર્કેટીંગ કરો અને ભાવ મેળવો….

રિપોર્ટર
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200320-WA0039-2.jpg IMG-20200320-WA0040-1.jpg IMG-20200320-WA0041-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *