Uncategorized

ધોળાથી યુપીના લખનઉ સુધી અમરેલી જિલ્લાના ૧૨૪૨ લોકોને લઈ ટ્રેન રવાના

હરખતે હૈયે આખરે યુપીના લોકો પહોંચશે માદરે વતન

ધોળાથી યુપીના લખનઉ સુધી અમરેલી જિલ્લાના ૧૨૪૨ લોકોને લઈ ટ્રેન રવાના

વહીવટીતંત્ર દ્વારા મુસાફરો માટે નાસ્તા- પાણી સહિતની વ્યવસ્થાઓ કરાઈ

આલેખન: સુમિત ગોહીલ, રાધિકા વ્યાસ

કહેવાય છે ને કે, ધરતીનો છેડો ઘર. જ્યાં પહોંચતા મનને શાંતિ અને હૃદયને હાશકારો થાય છે. માણસ દેશ-દુનિયાના ગમે તે ખૂણે હરે-ફરે પરંતુ અંતે તો એને ઘર પહોંચ્યા પછી જ નિરાંત થાય છે.
કોરોનાની આ કપરી મહામારી વચ્ચે પણ લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાતાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મજૂરી – વ્યવસાય અર્થે વસવાટ કરતા પરપ્રાંતીય લોકોને તેમના માદરે વતન પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના પગલે અમરેલીથી સૌપ્રથમ તમામ પરપ્રાંતીય લોકો સહિતની બસ ધોળા જંકશન પર પહોંચાડવામાં આવી. ત્યારબાદ ધોળા જંકશનથી ઉત્તર પ્રદેશના આશરે ૧૨૪૨ લોકોને લઈ અમરેલીથી સ્પેશિયલ ટ્રેન ઉપડી લખનઉ મુકામે. અમરેલી વહીવટીતંત્ર દ્વારા રેલ્વે સ્ટેશન પર તમામ મુસાફરો માટે પાણી તેમજ નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત રેલવે તંત્ર દ્વારા પણ રેલવે સ્ટેશન પર સતત એનાઉન્સમેન્ટના માધ્યમથી કોરોના પ્રત્યે જાગૃતલક્ષી સૂચનો આપવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી.

રાજુલાની ખાનગી કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના મુસાફરે લોકડાઉનની મનોવ્યથા છતાં ઘરે પહોંચવાના રાજીપા સાથે જણાવ્યું હતું કે, સરકાર તરફથી અમને અમારા વતન પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ મુસાફરી દરમિયાન પાણી અને નાસ્તાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. તે બદલ અમે સરકારના આભારી છીએ. ગુજરાત અમને સૌથી સારું રાજ્ય લાગ્યું તેમજ અહીં કામ કરવું અમને ખૂબ જ ગમે છે. પરિસ્થિતિ સુધરતા અમે ફરી ગુજરાત પરત ફરશું.

કોરોના મહામારીના કપરા સમયમાં આખરે ઘરે પહોંચવાની વાટ સાથે અમરેલીના પરપ્રાંતિય લોકોએ પણ આજે નિરાંતનો શ્વાસ લીધો હતો.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200508-WA0040-2.jpg IMG-20200508-WA0039-1.jpg IMG-20200508-WA0038-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *