પાંડેસરામાં પાણીની ટાંકી પાસે આવેલ એક જ્વેલરી દુકાનમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા સ્થળ ઉપર હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા પાણીની ટાકી પાસે આવેલા જલારામનગરમાં રત્નદીપ નામની જ્વેલરી દુકાનમાં મંગળવારે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની સાથે સાથે બહાર ઘુમાડો નીકળતા જોઈ સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર ઓફિસર ઓમ પ્રકાશ મિશ્રાને જાણ કરતા મજુરાગેટ અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો સ્થળ ઉપર પહોચી ગયા હતા.જોકે દુકાનની અંદર ધુમાડો વધુ ભરાયેલો હોવાથી ફાયરના જવાનોને અંદર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ફાયરના જવાનોએ જેહમત ઉઠાવી દુકાનમાં ઘુસી આગ બુજાવવાની સાથે ઘુમાડો બહાર કાઢી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે દુકાન બંધ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સકટને કારણે આગ લાગી હતી. આગને કારણે એસી,પંખા, પીઓપી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.


