નવી દિલ્હી
બસપા નેતા દીદાર સિંહે પુછપરછ દરમિયાન અનેક મહત્વના ખુલાસાઓ કર્યા છે. તે સિવાય પોલીસને એક મોટી સફળતા પણ હાથ લાગી છે. હજુ એક દિવસની પોલીસ રિમાન્ડ બાકી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, તેના સંબંધ જલાલાબાદ ખાતે બ્લાસ્ટ કરનારા આરોપી જીજા-સાળા સાથે પણ હોઈ શકે છે. દીદારનો પાછલો રેકોર્ડ પણ ક્રિમિનલ છે. અગાઉ એક ગેરકાયદેસર પિસ્તોલ પણ પકડાઈ ચુકી છે. તે રાજકીય આડમાં હેરોઈનની તસ્કરી કરી રહ્યો હતો. ૨૦૧૨ના વર્ષમાં બસપાની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી ચુક્યો છે. એટલું જ નહીં પોતાના ગામનો સરપંચ પણ રહી ચુક્યો છે. ફિરોજપુર (પંજાબ) પોલીસે બસપા નેતા દીદાર સિંહ પાસેથી ૩૪ કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાવા મુદ્દે કોર્ટ પાસેથી ૨ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જાણવા મળ્યા મુજબ પુછપરછ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી ખૂબ જ મહત્વની જાણકારીઓ મળી છે જેનો પોલીસ ટૂંક સમયમાં જ ઘટસ્ફોટ કરશે. આરોપીએ આપેલી માહિતી પ્રમાણે સરહદ સ્થિત બીએસએફની ટાપૂ ચોંકી પાસેની ફેન્સિંગને પાર ખેતરમાંથી એક પ્લાસ્ટિકની બોરીમાં સંતાડેલું ૬ કિલો ૬૧૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આરોપીએ તે હેરોઈન પાકિસ્તાની તસ્કરો પાસેથી મંગાવ્યુ હતું. પાકના ડ્રગ્સ ડીલર્સ સાથે તેના ગાઢ સંબંધો હોવાનું સામે આવ્યું છે.


