મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડુતોની વહારે બે સપુતો અડીખમ ઉભા રહ્યા શ્રી મોહનલાલ કામેશ્વર પંડ્યા
(ડુંગળી ચોર) અને શ્રી શંકરલાલ દ્રારકાદાસ પરીખ (કઠલાલની કાયાપલટ કરનાર મુકસેવક)
અંગ્રેજી અમલદારો દ્રારા ખેડુતો પાસેથી જોરજુલ્મથી જમીન
મહેસુલ વસુલ કરવાની સમગ્ર પરિસ્થિતીનો ખ્યાલ મહાત્મા ગાંધીજીને આપવામાં આવ્યો
પ્રજાની સાચી હકીકત સરકાર સ્વીકારવા તૈયાર નહોતી
ત્યારે સવિનય કાનુન ભંગ સિવાય કોઇ ઇલાજ નહોતો
તા. ૧૮-૦૨-૧૯૧૮ ના રોજ મહાત્મા ગાંધીજીએ જમીન મહેસુલ ન ભરવા માટે અને કર
ન ભરવાથી સરકાર જે શિક્ષા કરે તે હસતે મ્હોંએ સહન કરવા અંગે ખેડુતોને પ્રતિજ્ઞા લેવડાવી
ભારતભરમાં સૌ પ્રથમ સામુદાયિક સત્યાગ્રહના મંડાણની યાદગીરીરૂપે
આ કીર્તી-સ્તંભ અથવા સત્યાગ્રહ સ્મારક સ્તંભની રચના કરવામાં આવી
દેશમાં આ પ્રકારનો પ્રથમ સામુદાયિક સત્યાગ્રહ તા. ૧૮-૨-૧૯૧૮
ના રોજ ખેડુતોએ આ સ્થળે પ્રતિજ્ઞા લઇ શરૂ કર્યો
આ સ્તંભ રમણીય હોવાની સાથે ઐતિહાસિક મહત્વ ધરાવે છે
વકીલ કેશવલાલ મોતીલાલ એજ્યકેશન સોસાયટી સંચાલીત સંસ્થાઓ એક વિશાળ પટાંગણમાં આવેલ છે. આ પટાંગણમાં પ્રવેશતા જ મેદાનની મધ્યમાં આવેલ કિર્તી-સ્તંભ મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે.
જ્યારે અંગ્રેજોનું રાજ્ય હતુ ત્યારે ૧૯૧૭માં અતિવુષ્ટિને કારણે દુકાળ પડ્યો. અતિવુષ્ટિથી દુકાળ પડે એ વસ્તુ જ સરકારી અમલદારોને ગળે ઉતરી નહી અને ખેડુતો પાસેથી જોરજુલ્મથી જમીન મહેસુલ વસુલ કરવાનું રાખ્યું. ખેડુતોની વહારે બે સપુતો અડીખમ ઉભા રહ્યા. સ્વ.શ્રી મોહનલાલ કામેશ્વર પંડ્યા (ડુંગળી ચોર) અને સ્વ. શ્રી શંકરલાલ દ્રારકાદાસ પરીખ (કઠલાલની કાયાપલટ કરનાર મુકસેવક) આ બે સેવકોએ આ પ્રશ્નો ઉપાડી લીધો અને આ અંગેના સમાચાર વર્તમાનપત્રોમાં આપી આ પ્રશ્નની રજુઆત સરકારી અમલદારો સમક્ષ કરી. છેવટે તે વખતની મુંબઇ ધારાસભામાં નામદાર ગોકળદાસ પારેખ તથા નામદાર વિઠ્ઠલભાઇ પટેલે ખેડા જિલ્લાના ખેડુતોના દુખ દર્દો રજુ કર્યા છતા સરકારે મચક ન આપી કારણ કે બ્રીટીશ સરકાર તેના અમલદારો જે અહેવાલ મોકલે તેને જ સાચો માનીને ચાલવાવાળી હતી. આનું ધાર્યું પરીણામ આવ્યું નહિ તેથી સમગ્ર કેસની વિગત અથવા સમગ્ર પરિસ્થિતીનો ખ્યાલ મહાત્મા ગાંધીજીને આપવામાં આવ્યો તેમણે ગુજરાત સભા (તે વખતની કોંગ્રેસ) દ્રારા સાચી પરિસ્થિતિનો ક્યાસ કઢાવ્યો અને કેટલેક સ્થળે ખુદ મહાત્માજી તેમની મંડળી સાથે ફર્યા અને સચ્ચાઇની ખાતરી કરી લીધી. પ્રજાની સાચી હકીકત સરકાર સ્વીકારવા તૈયાર ન હોય તો સવિનય કાનુન ભંગ સિવાય કોઇ ઇલાજ નહોતો. આ ખેડા સત્યાગ્રહનો પ્રારંભ ૨૦-૧૧-૧૯૧૭ થી થયો અને પુર્ણાહુતિ ૬-૬-૧૯૧૮ ના રોજ થઇ.
આ સત્યાગ્રહ અંગે ૧૮-૦૨-૧૯૧૮ ના રોજ પરમ પુજ્ય મહાત્મા ગાંધીજીએ જમીન મહેસુલ ન ભરવા માટે અને એ કર ન ભરવાથી સરકાર જે શિક્ષા કરે તે હસતે મ્હોંએ સહન કરવા અંગે, ખેડુતોને પ્રતિજ્ઞા લેવડાવી. આમ ભારતભરમાં સૌ પ્રથમ સામુદાયિક સત્યાગ્રહના મંડાણ આ સ્થળેથી થયેલા તેની યાદગીરી રૂપે આ કીર્તી-સ્તંભ અથવા સત્યાગ્રહ સ્મારક સ્તંભની રચના ગાંધી સ્મારક નિધી દિલ્હી તરફથી કરવામાં આવી છે. આ સ્તંભની ખાર્તમુહુર્ત વિધી ગુજરાતના છોટે સરદાર સ્વ.શ્રી ચંદુલાલ દેસાઇએ તા. ૧૫-૮-૧૯૫૫ના રાષ્ટ્રીય પર્વના શુભ દિને કરી હતી. આ સ્તંભની અનાવરણ વિધી પુજ્ય સુશિલાબેન ગણેશ માવલંકરે તા. ૧૨-૧-૧૯૫૮ ના રોજ કરી હતી.
સ્તંભની ઉંચાઇ ૩૩ ફુટ છે. સમગ્ર સ્તંભ પથ્થરમાંથી બનાવેલ છે. સ્તંભની નીચે નીચે પુર્વાભિમુખ હળ ખેડતા ખેડુતનું સુંદર દ્રશ્ય આરસપાણના પથ્થરમાંથી ઉપસાવી કાઢેલ છે. બાકીની ત્રણ દિશાઓમાં ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં આ પ્રમાણે લખાણ છે.
સન ૧૯૧૭ માં અતિવુષ્ટિ થવાથી ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયા. ખેડુતો તરફથી ગુજરાત સભાની માંગણી છતા સરકારે મહેસુલ બાબત રાહત ન આપી. તેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતુત્વ નીચે ના કરની લડત શરૂ કરવામાં આવી. આપણા દેશમાં આ પ્રકારનો પ્રથમ સામુદાયિક સત્યાગ્રહ તા. ૧૮-૨-૧૯૧૮ ના રોજ ખેડુતોએ આ સ્થળે પ્રતિજ્ઞા લઇ શરૂ કર્યો.
સ્તંભની ટોચ પર, આરસપાણમાંથી બનાવેલ નંદીનું પ્રતિક છે. ખેડુતોનો સાચો સાથી બળદ છે કે જેના વગર તેને ચાલે નહિ. વળી નંદી એ શક્તિનું પ્રતિક છે. આમ, આ સ્તંભ રમણીય હોવાની સાથે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.


