કોલકાતા , તા.૨૯
મુખ્ય સચીવ દ્વિવેદીએ ચૂંટણી પંચને લખેલા પત્રના ૬ઠ્ઠા ફકરામાં ખોટી માહિતી આપી હતી. તેમણે પંચને લખ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ માહિતી વાસ્તવિક્તાથી તદ્ન વિપરિત હતી. વધુમાં તેમણે રાજ્યમાં પૂરની સ્થિતિ અંગે પણ ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યું હતું. હકીકતમાં રાજ્યમાં મૂશળધાર વરસાદ થયો હોવાનું બધા જ લોકો જાણે છે તેમ હાઈકોર્ટે કહ્યું હતું.કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભાની બેઠક પર ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી રોકવાનો ઈનકાર કરી દીધો હતો. જાેકે, હાઈકોર્ટે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવા બદલ બંગાળના મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદીની ઝાટકણી કાઢી હતી. પશ્ચિમ બંગાળમાં ભવાનીપુરની વિધાનસભા બેઠક પર મમતા બેનરજી ચૂંટણી લડી રહ્યા છે. બંગાળના મુખ્ય સચિવે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યું હોવાનો દાવો કરતાં આ ચૂંટણી પાછી ઠેલવા માટે થયેલી એક અરજીની સુનાવણીમાં કલકત્તા હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્તમાન તબક્કે ભવાનીપુરમાં ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના ર્નિણયમાં અમે કોઈ દખલ કરવા માગતા નથી. જાેકે, કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલે ચૂંટણી પંચને બંગાળના મુખ્ય સચીવ દ્વિવેદીએ લખેલા પત્ર સામે આકરો વાંધો નોંધાવ્યો હતો. હાઈકોર્ટે જનતાના પ્રતિનિધિ બનવાના બદલે સત્તામાં રહેલા પક્ષના ‘સેવક’ બની જવા બદલ બંગાળના મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદીની ઝાટકણી કાઢી હતી. મુખ્ય સચિવ દ્વિવેદીએ બંધારણીય કટોકટી ટાળવા ભવાનીપુરમાં વહેલી તકે પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. અરજદાર ફયાન સિંહાએ આક્ષેપ કર્યો હતો કે મુખ્ય સચિવના ‘ગેરમાર્ગે’ દોરતા પત્રને કારણે ચૂંટણી પંચે રાજ્યમાં વહેલા ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતું.


