નડિયાદ
મહેમદાવાદ તાલુકાના રોહિસા ગામે રહેતા દાડમબેન વિનુભાઈ ચૌહાણ પોતાના મકાનનને અડીને કરીયાણાની અને કટલરી તેમજ પરચુરણ દુકાન ચલાવે છે. ગત ૨૨મી ડિસેમ્બરના રોજ અગીયાર વાગ્યાના અરસામાં તેઓની આ દુકાનમાં આગ લાગી હતી. જેના કારણે દુકાનનો સરસામાન સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. રાત્રે આગ લાગવાના બનાવની જાણ સૌપ્રથમ દાડમબેનને થતાં તેઓએ પોતાના પરિવારને ઉઠાડ્યા હતાં. તો આ આગ તેમના ઘરની સામેના ફળિયામાં રહેતા કેટલાક લોકોએ લગાવી ભાગતાં ત્યાંથી મહિલાએ નજરે જાેયા હતા. આસપાસના લોકોએ પાણીનો છંટકાવ કરી આગને ઓલવી હતી. આ ઘટનામાં રૂપિયા દોઢ લાખનું નુકસાન થયું હતું. જે બાદ દાડમબેનના પુત્ર કિશને પોતાની માતાને જણાવ્યું હતું કે દિવસના ગામમાં આવેલ પાનના ગલ્લે ઊભો હતો ત્યારે ઘરના સામેના ફળિયામાં રહેતા ભુરાભાઈ મહીજીભાઈ પરમાર, વિજય રમેશ પરમાર, સંજય ડાહ્યાભાઈ પરમાર અને દિલીપ મનુભાઈ પરમારે ભેગા મળીને કિશનને કોઈ કારણોસર અપશબ્દો બોલી સીધો સીધો રહેજે નહીંતર દુકાન, બુકાન સળગાવી મારીશુ તેવી ધમકીઓ આપી હતી. જે અદાવતની રીસ રાખી ઉપરોક્ત ચારેય વ્યક્તિઓએ દુકાન સળગાવી દીધી હોવાની ફરિયાદ દાડમબેન ચૌહાણે મહેમદાવાદ પોલીસમાં આપી છે. પોલીસે ગુનો નોંધી આઈપીસી ૪૩૬, ૫૦૪, ૫૦૬(૧), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.મહેમદાવાદ પંથકના રોહિસા ગામે કોઇ બાબતની અદાવત રાખી ‘સીધા સીધા રહેજાે’ તેમ કહી અપશબ્દો બોલી દુકાનને આગ ચાંપી સળગાવતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ પહેલા દુકાન સળગાવવાની ધમકી આપતાં આ અંગે ગામના ૪ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ જવા પામી છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
