વડોદરા
વડોદરા શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં ગુરુવારે માત્ર ૧૮૦૬ લોકોએ રસી મુકાવી હતી. આ સાથે શહેરમાં રસીના બંને ડોઝ લેનારની ટકાવારી ૮૫.૩૮% સુધી પહોંચી હતી. જ્યારે રસીનો પ્રથમ ડોઝ લેનાર ૭૧૬ લોકો નોંધાયા હતા. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ શહેરમાં રસીકરણ પૂર્ણતાના આરે હોય તેવું જણાય છે. ૮૪ દિવસ બાકી છે તેવા લોકો જ રસીકરણમાં બાકી રહ્યા છે. બેકલોગ નહીં હોવાનું આરોગ્ય વિભાગ જણાવે છે ત્યારે ગુરુવારે રસીનો બીજાે ડોઝ લેનારની સંખ્યા ૧૦૯૦ નોંધાઇ હતી. આગામી દિવસોમાં કોરોનાની લહેર સામે લડવા માટે શહેર નાગરિકો ૧૦૦ ટકા રસીકરણ સાથે સજ્જ થશે તેવું આરોગ્ય વિભાગનું અનુમાન છે.
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૨૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૯૨ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૭૮, ઉત્તર ઝોનમાં ૧૧,૮૪૪, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૫૪, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૮૫ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૬ કેસ આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૨,૨૮૯ પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૭૧,૬૧૦ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૩૬ કલાકમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના નવા ૬ કેસ આવતા હવે કુલ કેસની સંખ્યા ૭૨૨૮૯ થઇ ગઇ છે. શહેરના સવાદ, માણેજા, મકરપુરા, અકોટા અને સુભાનપુરા વિસ્તારમાં કોરોનાના નવા દર્દીઓ આવ્યાં હતા. હાલમાં શહેરમાં ૫૬ દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓ પૈકી માત્ર ૪ દર્દીઓની સ્થિતિ ચિંતાજનક છે. ગુરૂવારે ૨ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ આવ્યો ન હતો. જ્યારે એસએસજીમાં હાલમાં ૧૦ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.


