સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક હતી નાવલી શું ભવિષ્યમાં સાવરકુંડલા શહેરનાં બાળકોને આ ભૌગોલિક સમજ આપવી પડશે.? ખાલી નદીનું પૂજન નહીં તેને રીચાર્જ પણ કરો. સાવરકુંડલા શહેરની નાવલી નદીનાં પટમાં તો ગંદા પાણી વહે અને વળી પાછી શાકમાર્કેટ પણ નાવલીનાં એ પટમાં..હા, કોઈ વખત ચોમાસામાં આ નાવલી નદીનો પ્રકોપ ચરમ સીમાએ પહોંચે ત્યારે પૂર સ્વરૂપે ઘણી તારાજી પણ સર્જે છે. જેનાં મૂળમાં પણ આ નદીનો પટ સતત છીંછરો થતો હોય તેનાં કારણે જ જોવા મળતો હશે. નદીનો સમગ્ર પટ પણ ઊંડો ઉતારવો પડશે. જો કે કામ થોડું મુશ્કેલ છે પણ અસંભવ નથી. રાજકીય ઇચ્છાશક્તિ અને કામગીરી કરવાની હામ હોય તો આ પણ શક્ય બની શકે.હવે વળી રીવર ફ્રન્ટનાં સપનાં જોવાનાં. અરે ભાઈ પહેલાં એ રીવરને તો રીચાર્જ કરીને રીવરમાં વહેતાં ગટરનાં ગંદા પાણીનો કોઈ ઉપાય તો કરો..!! આજે સાવરકુંડલા શહેરને એક સમયનાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડી. કે પટેલની યાદ તો આવે જ છે. આમ તો સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણી પછી લગભગ નવ માસ કરતાં વધુ સમય પસાર થયો. ધીંગી બહુમતીથી સત્તા સ્થાને આવેલાં લોકપ્રહરીઓએ સુકાન સંભાળ્યા બાદ હજુસુધી આ નદી સંદર્ભે કોઈ નોંધનીય કામગીરી જોવા મળી રહી નથી. હા, કોઈ કોઈ વાર સફાઈ ઝુંબેશની થોડી ઘણી કામગીરી જોવા મળે છે. પરંતુ એ તો પાશેરામાં પૂણી સમાન હોય ‘ને?
બસ હવે બહુ થયું પ્રજાનો આક્રોશ ચરમ સીમાએ પહોંચે એ પહેલાં યુધ્ધના ધોરણે નાવલી નદીનો પુનરોધ્ધાર થાય અને લોકો પણ શાનથી કહી શકે કે હા, આ અમારી નાવલીનું શહેર સાવરકુંડલા છે.. આમ તો વર્ષોના વર્ષો નાવલી નદી પણ પોતાના પટમાં રહેલી એ ગંદકીને દૂર કરવા બે હાથ જોડીને પોકારી રહી હશે,!! સત્તા સ્થાને બેઠેલાં એ સત્તાધીશોનાં કાને આ નદીનો આર્તનાદ સંભળાય તેવું સમગ્ર સાવરકુંડલા શહેરની જનતા ઈચ્છી રહી છે.

